અમદાવાદ : ૮૨મી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પીવી સિંધુ અને સાઇના નેહવાલ વચ્ચે મહિલા સિંગલ્સની ફાઇનલ જંગ ખેલાશે. જ્યારે પુરુષ સિંગલ્સમાં કિદાંબી શ્રીકાંત અને એચ. એસ. પ્રણોય વચ્ચે મુકાબલો યોજાશે.
સાઇના નેહવાલે અમુરા પ્રભુદેસાઈને ૩૦ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૧, ૨૧-૧૦થી વિજય મેળવ્યો હતો. બીજી તરફ ભારતની ટોચની ખેલાડી પીવી સિંધુને સેમિફાઇનલમાં ઋત્વિકા શિવાની ગડ્ડે સામે ભારે સંઘર્ષ બાદ ૧૭-૨૧, ૨૧-૧૫, ૨૧-૧૧થી વિજય મેળવ્યો હતો. સિંધુનો પ્રથમ સેટમાં પરાજય થયો હતો પરંતુ મેચમાં વાપસી કરતાં બીજો સેટ જીતી ૧-૧ની બરાબરી કર્યા બાદ ત્રીજા સેટમાં આસાન વિજય મેળવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. સાઇના નેહવાલ સિનિયર બેડમિન્ટનમાં વર્ષ ૨૦૦૬ અને ૨૦૦૭ માં ચેમ્પિયન બની હતી. જ્યારે સિંધુ વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૩માં ચેમ્પિયન બની હતી. પીવી સિંધુ 2013 બાદ પ્રથમ વખત આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.
મહિલા ડબલ્સમાં પ્રાજક્તા સાવંત અને સંયોગિતા ઘોરપડેની જોડીએ ઋતુપર્ણા પાન્ડા અને યુકે મિથુલાની જોડીને ૧૮-૨૧, ૨૧-૧૨, ૨૧-૧૬થી મેચ જીતી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાં તેમનો સામનો અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડીની જોડી સામે થશે.