ભારતનો સ્ટાર બોક્સર વિજેન્દર સિંહ ૧૩મી જુલાઇઍ ન્યુજર્સીના નેવાર્કમાં સ્થાનિક દાવેદાર માઇક સ્નાઇડર સામેની બાઉટથી અમેરિકન પ્રોફેશનલ સર્કિટમાં પદાર્પણ કરશે. અત્યાર સુધી પોતાની 10 બાઉટમાં અજેય રહેલો ભારતીય બોક્સરની અમેરિકાની પ્રોફેશનલ સર્કિટમાં પ્રથમ બાઉટ લોસ ઍન્જેલસમાં 13 ઍપ્રિલે યોજાવાની હતી, જો કે તે ટ્રેનિંગ દરમિયાન ઘાયલ થતાં તેમાં વિલંબ થયો છે.
વિજેન્દરના ભારતીય પ્રમોટર આઇઓઍસ બોક્સિંગ પ્રમોશન્સ દ્વારા કહેવાયું હતું કે વિજેન્દર અમેરિકાની સર્કિટમાં 13 જુલાઇઍ ન્યુજર્સીના નેવાર્કના પ્રુડેન્શિયલ સેન્ટરમાં પોતાનું પદાર્પણ કરશે. તે 8 રાઉન્ડનો મુકાબલો હશે. સ્નાઇડરનો રેકોર્ડ 13-5-3નો છે. અમેરિકામાં મુકાબલા માટે વિજેન્દરે હોલ ઓફ ફેમમાં સામેલ બાબ આરુમ અને ટોપ રેન્ક પ્રમોશન્સ સાથે કરાર કર્યા છે.
ઇજાને કારણે પડેલા બ્રેકને પગલે વિજેન્દર ભારત પરત ફર્યો હતો અને ઍ દરમિયાન કોંગ્રેસની ટિકીટ પર દક્ષિણ દિલ્હી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યો હતો પણ તેમાં તેનો પરાજય થયો હતો. સ્નાઇડરે પોતાની છેલ્લી બાઉટ ફેબ્રુઆરીમાં શિકાગો ખાતે ટોમી હ્યૂઝ સાથે રમી હતી જેમાં તેણે 5 રાઉન્ડમા ટેકનીકલ નોકઆઉટના આધારે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.