નિકોસિયા : સાઇપ્રસના નિકોસિયા શહેરના શાનદાર પ્રદર્શન કરતા રિયલ મેડ્રિડ ટીમે એપોલને ૬-૦થી કચડી નાંખી ચેમ્પિયન્સ લીગના નોક આઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. રિયલ મેડ્રિડ તરફથી સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને કરીમ બેન્ઝેમાએ બે-બે તથા લ્યુકા મોડ્રિચ અને નાચોએ એક-એક ગોલ ફટકાર્યો હતો. આ ઉપરાંત આ જ ગ્રૂપની અન્ય એક મેચમાં ઇંગ્લિશ ટીમ ટોટનહામ હોટસ્પુરે જર્મનીની બોરૂશિયા ડોર્ટમંડને ૨-૧થી હરાવી ગ્રૂપ ‘H’માં પ્રથમ સ્થાન મેળવી નોક આઉટ રાઉન્ડ માટે પોતાની સીટ નિશ્ચિત કરી લીધી છે.
છેલ્લા કેટલાંક સમયથી આઉટ ઓફ ફોર્મ રહેલા રોનાલ્ડોએ આ મેચમાં બે ગોલ ફટકારી પોતાના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. આ ઉપરાંત રોનાલ્ડો યુરોપિયન ચેમ્પિયનશિપમાં એક ક્લબ તરફથી ૧૦૦ ગોલ ફટકારનારો ફૂટબોલર બની ગયો છે. રિયલ મેડ્રિડ તરફથી રોનાલ્ડોએ ૯૫ મેચમાં ૧૦૦ ગોલ ફટકાર્યા છે. આ ઉપરાંત ૨૦૧૭ના કેલેન્ડર વર્ષમાં તેણે ચેમ્પિયન્સ લીગમાં ૧૮ ગોલ ફટકાર્યા છે. રિયલ મેડ્રિડના લ્યુકા મોડ્રિચે ૧૦ નંબરની જર્સી મેળવ્યા બાદ પ્રથમ ગોલ ફટકારી રિયલને ૧-૦ની લીડ અપાવી દીધી હતી. આ ગોલ બાદ બેન્ઝેમાએ બે અને નાચોએ એક ગોલ ફટકારી રિય મેડ્રિડને ૪-૦થી આગળ કરી દીધી હતી. બીજા હાફમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફક્ત પાંચ મિનિટના ગાળામાં બે ગોલ ફટકારી પોતાની ટીમની જીત નિશ્ચિત કરી દીધી હતી.
લીવર પૂલ મુકાબલો ડ્રો કર્યો
રોબર્ટો ફર્મિન્હોના બે અને સાદિયો માનેના એક ગોલની મદદથી લીવર પૂલે પ્રથમ હાફમાં ૩-૦ની લીડ મેળવી લીધી હતી. પરંતુ હાફ ટાઇમ બાદ સેવિલાના મેનેજર બેરિઝોએ પોતાના ખેલાડીઓને તેને થયેલા કેન્સર વિશે જાણ કરી હતી. આ સાથે જ સેવિલાના વિસામ બેન યેડરે બે તથા પિઝારોએ એક ગોલ ફટકારી પોતાની ટીમને પરાજયમાંથી બચાવી લીધી હતી. સેવિલા અને તેના ખેલાડીઓએ કોચ બેરિઝોને પોતાનો પૂરો સપોર્ટ જાહેર કર્યો હતો.
રોનાલ્ડોએ નોંધાવ્યો રેકોર્ડ
32 વર્ષના રોનાલ્ડોએ મેચમાં 49 અને 54મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. આ વર્ષે ચેમ્પિયન્સ લીગમાં રોનાલ્ડોના ગોલની સંખ્યા 18 થઇ ગઇ છે. રોનાલ્ડોએ આ સાથે કોઇ સિઝનમાં સર્વાધિક ગોલ નોંધાવવાના પોતાના જૂના રેકોર્ડ (17 ગોલ) ને પાછળ છોડી દીધો. આ લીગમાં રોનાલ્ડોએ કુલ 113 ગોલ નોંધાવ્યા. જે એક રેકોર્ડ છે.