Entertainment News:
2023ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘Animal’ના સહ-નિર્માતા ‘સિને 1 સ્ટુડિયો’એ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે અને માંગ કરી છે કે ફિલ્મને OTT સહિત અન્ય પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની મંજૂરી ન આપવામાં આવે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત Animal, 1 ડિસેમ્બર, 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તે 26 જાન્યુઆરીએ ‘Netflix’ પર રિલીઝ થવાની છે. તે પહેલાં, કો-પ્રોડ્યુસર્સ કોર્ટમાં જવાને કારણે ફિલ્મની OTT રિલીઝ ડેટ પાછળ ધકેલાઈ શકે છે.
PTIના અહેવાલ મુજબ, ‘સિને 1 સ્ટુડિયો પ્રાઈવેટ લિમિટેડ’ એ કોર્ટમાં કરારના ભંગનો દાવો કર્યો અને કહ્યું કે તેને એક પૈસો પણ ચૂકવવામાં આવ્યો નથી. જવાબમાં, બીજા સહ-નિર્માતા ‘સુપર કેસેટ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ’એ દલીલ કરી હતી કે 2.6 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી, જેની માહિતી કોર્ટને આપવામાં આવી ન હતી.
જસ્ટિસ સંજીવ નરુલાએ રૂ. 2.6 કરોડની ચુકવણી અંગે સબમિટ કરેલા દસ્તાવેજોનું અવલોકન કર્યું હતું. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ‘સિને 1 સ્ટુડિયો’ના વકીલે કહ્યું કે તેમને આની જાણ નથી કારણ કે દસ્તાવેજ તેમની જાણમાં લાવવામાં આવ્યો ન હતો. વકીલે કહ્યું કે તેઓ તેમના અસીલ પાસેથી સૂચનાઓ લેશે અને કોર્ટને જાણ કરશે.
કેસની આગામી તારીખ 18 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. મુરાદ ખેતાણી તે દિવસે ‘સિને 1 સ્ટુડિયો’ વતી હાજર રહી શકે છે. ‘સિને 1 સ્ટુડિયો’ તરફથી હાજર રહેલા એડવોકેટ સંદીપ સેઠીએ કહ્યું કે તેમના ક્લાયન્ટને ફિલ્મની બોક્સ ઓફિસની કમાણી, સંગીત, સેટેલાઇટ અને ઇન્ટરનેટ અધિકારો વિશે માહિતી આપવામાં આવી નથી.