વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે રવિવારે અહીં રમાયેલી વિમ્બલ્ડનની ફાઇનલમાં રોજર ફેડરરને હરાવીને સૌથી વધુ વયે વિમ્બલ્ડન ચેમ્પિયન બનનાનું તેનું સ્વપ્ન તોડી નાંખ્યું હતું. જોકોવિચે ફાઇનલમાં ફેડરરને 7-6, 1-6, 7-6, 4-6, 13-12થી હરાવીને પાંચમીવાર વિમ્બલ્ડન ટાઇટલ અને ઓવરઓલ પોતાનું 16મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું હતું. બંને ત્રીજીવાર ફાઇનલમાં સામસામે આવ્યા હતા અને આ પહેલા પણ જોકોવિચે 2014 અને 2015માં પણ ફાઇનલમાં ફેડરરને હરાવ્યો હતો.
ખાસ વાત ઍ રહી હતી કે વિમ્બલ્ડનની ફાઇનલમાં આ પહેલા મેચ લાંબી ખેંચાય તો પણ અંતિમ સેટમાં ટાઇ બ્રેકર રાખવામાં આવતો નહોતો પણ હાલમાં બદલાયેલા નિયમને કારણે આ ફાઇનલનું પરિણામ ટાઇબ્રેકરથી આવ્યું હતું. નવા નિયમ પ્રમાણે મેચ પાંચમા સેટમાં જાય ત્યારે સ્કોર 12 ઓલ થાય તો પછી પરિણામ ટાઇબ્રેકરથી લાવવાનું ઠરાવાયું હતું અને આજની મેચમાં પાંચમાં સેટમાં સ્કોર જ્યારે 12-12થયો અને મેચ ટાઇ બ્રેકરમાં ગઇ હતી જેને જોકોવિચે 7-3થી જીતી ટાઇટલ પાંચમીવાર કબજે કર્યુ હતું.