મેડ્રિડ : ટોચના ક્રમાંકિત નોવાક જોકોવિચે અહીં મેડ્રિડ ઓપનની ફાઇનલમાં ગ્રીસના ખેલાડી સ્ટેફાનોસ સિટસિપાસને 6-3, 6-4થી હરાવીને ક્લે કોર્ટ ટુર્નામેન્ટમાં પોતાનું ત્રીજું ટાઇટલ જીતવાની સાથે 33 મું ઍટીપી માસ્ટર્સ 1000નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. પોતાના વિજય પછી જોકોવિચે કહ્યું હતું કે ગ્રાન્ડ સ્લેમ પછી ઍટીપીની આ સૌથી મોટી ટુર્નામેન્ટ છે. તે જીતવી મહત્વપૂર્ણ હોવાની સાથે જ સારું પણ છે.
વિશ્વના નંબર વન ટેનિસ સ્ટાર જોકોવિચે ગ્રીક ખેલાડીને હરાવવા માટે 1 કલાક અને 32 મિનીટનો સમય લીધો હતો. ઍટીપી રેન્કિંગમાં સતત 250 અઠવાડિયા સુધી ટોચના સ્થાને ચાલી રહેલા જોકોવિચે વર્ષનું આ બીજું ટાઇટલ જીત્યું હતું. જોકોવિચે વર્ષની શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યું હતું.