રિયાન બ્રેસ્ટરની સતત બીજી મેચમાં હેટ્રિકની મદદથી ઇંગ્લેન્ડે ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ત્રણ વખતની ચેમ્પિયન બ્રાઝિલને ૩-૧થી પરાજય આપી રવિવારે યોજાનારી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ફાઇનલમાં ઇંગ્લેન્ડનો સામનો સ્પેન સામે થશે. સ્પેને અન્ય એક સેમિફાઇનલમાં સ્પેને એબલ રૂઇઝના બે ગોલ તથા ફેરન ટોરેસના એક ગોલની મદદથી માલીને ૩-૧થી પરાજય આપ્યો હતો.
મેચનો હીરો સ્ટ્રાઇકર બ્રેસ્ટર રહ્યો
ઇંગ્લેન્ડ માટે મેચનો હીરો સ્ટ્રાઇકર બ્રેસ્ટર રહ્યો હતો જેણે સતત બીજી મેચમાં ત્રણ ગોલ ફટકાર્યા હતા. આ પહેલાં ક્વાર્ટર ફાઇનલમાં બ્રેસ્ટરે અમેરિકા સામે હેટ્રિક ફટકારી હતી. જોકે, બ્રાઝિલ સામેની હેટ્રિક તેના માટે ખાસ રહી હતી કારણકે આ સાથે જ તેની ટીમે આ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ ફટકારનારો ફૂટબોલર બની ગયો હતો. બ્રેસ્ટરે આ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી કુલ સાત ગોલ ફટકાર્યા છે.
પહેલો હાફ બન્ને ટીમના નામે રહ્યો
કોલકાતાના વિવાકનંદ યુવા ભારતી ક્રિડાંગણ ખાતે ૬૩,૮૮૧ દર્શકોની વચ્ચે રમાયેલ મુકાબલામાં ઇંગ્લેન્ડે બ્રાઝિલને મેચમાં કોઇ પણ સમયે પરત ફરવાની તક આપી નહોતી. ઇંગ્લેન્ડની આક્રમક રમતનો અંદાજો તેના શોટ્સ પરથી જ આવે છે. બ્રાઝિલના ૧૨ શોટ્સની સરખામણીમાં ઇંગ્લેન્ડે કુલ ૧૭ શોટ્સ ફટકાર્યા હતા. પ્રથમ હાફમાં ઇંગ્લેન્ડ અને લીવરપૂલના સ્ટ્રાઇકર બ્રેસ્ટરે ફક્ત ૧૦ મિનિટની અંદર ગોલ ફટકારી પોતાની ટીમને ૧-૦થી આગળ કરી દીધી હતી. કેલ્લમ હડસન ઓડોઇના ક્રોસને ગોલમાં ફેરવી બ્રેસ્ટરે આ ટૂર્નામેન્ટમાં પોતાનો પાંચમો ગોલ ફટકાર્યો હતો. જોકે, બ્રાઝિલે પણ બરાબરી કરવામાં વધુ સમય નહોતો લીધો અને વેસ્લેએ ગોલ ફટકારી બ્રાઝિલની મેચમાં પરત ફરવાની આશા જાળવી રાખી હતી.
બીજા હાફમાં ઇંગ્લેન્ડે પ્રભુત્વ જમાવ્યું
પ્રથમ હાફની ૩૯મી મિનિટે સ્ટીવન સેસેગોનના ક્રોસને ગોલમાં ફેરવી બ્રેસ્ટરે ઇંગ્લેન્ડને ફરી એક વખત લીડ અપાવી દીધી હતી. આ ગોલ સાથે જ તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ ફટકારનારો ખેલાડી બની ગયો હતો. બીજા હાફમાં બ્રાઝિલની ટીમને ગોલ કરવાની કેટલીક તકો મળી હતી પરંતુ તેના ખેલાડીઓ તેનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. બીજી બાજુ પોતાની સતત બીજી હેટ્રિકની શોધમાં રહેલા બ્રેસ્ટરે ૭૭મી મિનિટે સ્મિથ રોના ક્રોસને ગોલમાં ફેરવી પોતાની હેટ્રિક પૂરી કરી હતી. આ સાથે જ તેણે ઇંગ્લેન્ડ માટે જીત અને ફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત કરી દીધો હતો. ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપના ઇતિહાસમાં ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશવામાં સફળ રહી છે.