Fake Ambulance Scam in Vadodara : વડોદરામાં નકલી એમ્બ્યુલન્સ કાંડ: ખાનગી કારને સાઇરન અને લાઇટ લગાવી ‘સેવા’ના નામે ધંધો!
Fake Ambulance Scam in Vadodara : નકલી અધિકારીઓ, નકલી પોલીસ અને નકલી કચેરીઓના પર્દાફાશ પછી હવે વડોદરા શહેરમાં નકલી એમ્બ્યુલન્સો સામે આવી છે.
જે વાહનો આરટીઓના રેકોર્ડમાં કાર કે ટેક્સી તરીકે નોંધાયેલા છે, તે જ વાહનોમાં લાલ-ભૂરી લાઇટ અને સાઇરન લગાવી ‘એમ્બ્યુલન્સ’ તરીકે ખોટી ઓળખ બનાવી સામાન્ય લોકો પાસેથી વધુ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.
સયાજી હોસ્પિટલના આંગણે દોડતી છે એમ્બ્યુલન્સ!
શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ બહાર રોજે રોજ ઉભેલી રહેતી એમ્બ્યુલન્સમાં મોટાભાગઈ નકલી છે. કેટલાક ખાનગી વાહન માલિકોએ પોતાની કારમાં ‘એમ્બ્યુલન્સ’ લખાવી લાઇટ લગાવી રાખી છે, પરંતુ તે વાહનોમાં જરૂરી સારવારની સુવિધાઓ જેમ કે ઓક્સિજન સિલિન્ડર, મેડિકલ કીટ કે ટ્રોલી ખાટલા ઉપલબ્ધ જ નથી.
સામાન્ય રીતે લોકો એમ્બ્યુલન્સ લખેલી ગાડી જોઈને તેની સત્યતા તપાસ્યા વગર દર્દી કે મૃતદેહ ખસેડવા માટે તેનો ઉપયોગ કરે છે. પરિણામે, નકલી વાહનો પણ સાચી સેવા સમજી લેવાનું જોખમ વધી જાય છે.
RTO અને પોલીસની નિષ્ક્રિયતા પાછળ વધ્યો છે ગેરકાયદેસર ધંધો
શહેરના આરટીઓ વિભાગ અને નજીકના પોલીસ મથક — રાવપુરા તથા પોલીસ કમિશનર કચેરી — હોવા છતાં આ પ્રકારના નકલી વાહનો ખુલ્લેઆમ ફરતા રહે છે. આથી એવી આશંકા ઊભી થાય છે કે, આવા વાહનોના સંચાલકોને સ્થાનિક તંત્રનો પણ આર્શીવાદ પ્રાપ્ત છે.
ફિટનેસ વગરના વાહનો પણ ‘એમ્બ્યુલન્સ’ તરીકે દોડી રહ્યા છે
તાજા તપાસમાં ઘણા એવા નંબર ધરાવતાં વાહનો સામે આવ્યા છે જે “એમ્બ્યુલન્સ” લખેલી છે, પણ આરટીઓના રેકોર્ડ મુજબ તેમની ફિટનેસ મિયાદ પૂરી થઈ ચૂકી છે. એવામાં આવા વાહનોમાં દર્દી કે વ્યક્તિઓની મુસાફરી જીવલેણ સાબિત થઈ શકે છે.
હવે એક નજર કરીએ આવા કેટલાક નકલી અને ફિટનેસ વિનાના વાહનોના નંબર પર:
ગુડ્સ કેરિયર કે મોટરકેબ તરીકે રજિસ્ટર્ડ હોવા છતાં ચલાવવામાં આવી રહેલી ‘એમ્બ્યુલન્સ’:
GJ-06-AZ-1475 (ગુડ્સ કેરિયર, ફિટનેસ એક્સપાયર)
GJ-06-AZ-3018 (મોટરકેબ, ફિટનેસ એક્સપાયર)
GJ-06-CM-9888 (મોટરકાર, ફિટનેસ એક્ટિવ)
ફિટનેસ વિના દોડતી એમ્બ્યુલન્સ જેવી ગાડીઓ:
GJ-06-GA-3380
GJ-06-G-6711
GJ-06-AV-5304
GJ-01-DX-9212
GJ-06-BV-9812
ટ્રાવેલ્સ જેવી પદ્ધતિએ વસૂલાતા ભાડાં
આ ગાડીઓ વાસ્તવિક એમ્બ્યુલન્સ કરતાં પણ વધુ ભાડું વસૂલે છે. દર્દીની તાત્કાલિક સ્થિતિનો લાભ લઈને આવા વાહન ચાલકો કેટલીકવાર અનેક ગણું ભાડું વસૂલે છે. પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે આ પરિસ્થિતિ વધુ વણસતી બની જાય છે.
કાયદેસર દંડ અને કાર્યવાહી શું થાય?
આ અંગે વડોદરા RTOના અધિકારી જીગર પટેલે સ્પષ્ટ રીતે જણાવ્યું કે જો કોઇ વ્યક્તિ કોઈ વાહનનું મૂળ સ્વરૂપ બદલે છે અને તેને એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરે છે, તો તે મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડનીય ગુનો બને છે. આવા કિસ્સામાં વાહન માલિક પર ₹12,000 દંડ થવાની અને વાહન જપ્ત કરવાની કાર્યવાહી થઈ શકે છે.
વિમા કંપની પણ વળતર ચૂકવવામાં ઈનકાર કરી શકે
ધારાશાસ્ત્રી રાજેશ ધોબી જણાવે છે કે જો વાહન તેનું મૂળ હેતુ બદલીને વાપરવામાં આવે છે અને તેમાં અકસ્માત થાય છે, તો વીમા કંપની વળતર નકારી શકે છે. ખાસ કરીને જો ફિટનેસની અવધિ પૂર્ણ થઈ ગઈ હોય, તો વળતર ન મળવાની સંભાવના વધુ હોય છે.
જ્યારે એંબ્યુલન્સ જેવી જીવદાતા સેવા પણ લોભનો શિકાર બને છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે આવા નકલી ધંધાને કોણ છાંયો આપી રહ્યું છે? શું તંત્ર આ મામલે તાત્કાલિક પગલાં લઈ શકે?