ગોવા: ગોવાના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં એફસી ગોવા અને બેંગલુરુ એફસી વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. આ મુકાબલામાં અત્યારસુધી શાનદાર પ્રદર્શન કરી પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવનારી બેંગલુરુ એફસીને એફસી ગોવા 4-3ના અંતરથી માત આપી હતી. એફસી ગોવાએ હાફટાઈમ પહેલા જ 3 ગોલ કરી બેંગલુરુને દબાણમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. હાફટાઈમ સમયે ગોવા 3 અને બેંગલુરુએ 1 ગોલ કર્યો હતો. બીજા હાફમાં બેંગલુરુએ 2 ગોલ કર્યા હતા, જોકે ગોવા અંતે બાજી પોતાના નામે કરી હતી.
પ્રથમ હાફથી જ હાવી રહી હોમ ટીમ
મેચનો સૌપ્રથમ ગોલ એફસી ગોવા તરફથી ફેરાન કોરોમિનાસે 16મી મિનિટે કર્યો હતો. આ સમયે ગોવાએ 1-0ની લીડ મેળવી હતી. જોકે થોડી જ મિનિટો બાદ બેંગલુરુ તરફથી મીકુએ કરેલા ગોલને કારણે સ્કોર 1-1થી સરભર થઈ ગયો હતો. 33મી મિનિટે જ ફેરાને પોતાનો બીજો અને ટીમનો બીજો ગોલ કરી સ્કોર 2-1એ પહોંચાડ્યો હતો. મેચની 40મી મિનિટે મેન્યુઅલ લેન્જારોટેએ પેનલ્ટીને ગોલમાં ફેરવતા જ સ્કોર 3-1એ પહોંચી ગયો હતો. આ સાથે હોમ ટીમે હાફટાઈમ સુધીમાં મેચ પોતાના નિયંત્રણમાં કરી લીધી હતી. મેચની 57મી મિનિટે એરિક પેરાટાલુએ ગોલ કરી સ્કોરને 3-2એ પહોંચાડ્યો હતો. જેની થોડી જ મિનિટો બાદ મીકુએ પોતાનો બીજો અને ટીમનો ત્રીજો ગોલ કરી સ્કોર 3-3થી સરભર કર્યો હતો. મેચની 63મી મિનિટે ફેરાન કોરોમિનાસે મેચનો નિર્ણાયક ગોલ કરતા ગોવાએ 4-3થી લીડ મેળવી લીધી હતી. ફેરાને મેચમાં 3 ગોલ કર્યા હતા. લીડ મેળવી લીધા બાદ ગોવાએ બેંગલુરુને ગોલ કરવાની તક આપી નહોતી, જેના પરિણામે હોમ ટીમ ગોવાએ 4-3ના અંતરથી વિજય મેળવ્યો હતો. ગોવાને કોચ લોબરાએ ફરીવાર પોતાના પ્લાન થકી મેચ પરના નિયંત્રણની માસ્ટરીને સાબિત કરી હતી.