પુણેઃ એફસી પુણે સિટીએ ઘરઆંગણાની મેચમાં વિરોધી ટીમ મુંબઈ સિટીને પરાજય આપ્યો હતો. છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં રમાયેલી આ મેચમાં પુણે 2-1ના અંતરથી મેચ પોતાના નામે કરી હતી. એફસી મુંબઈ સિટીએ પ્રથમ હાફમાં 1-0ની સરસાઈ મેળવી હતી, જોકે પુણેની ટીમ બીજા હાફમાં અને ખાસતો મેચની અંતિમ ક્ષણોમાં બાજી મારી લીધી. આ મેચમાં એમિલિયાનો એલફેરો પુણે માટે હીરો સાબિત થયો હતો. તેણે જ બંને વિજયી ગોલ ફટકાર્યા હતા.
એમિલિયાનોના બહુમૂલ્ય ગોલ….
મેચના પ્રારંભમાં મુંબઈ સિટીએ પુણે સામે સારી રમત દાખવી હતી અને 15મી મિનિટે બલવંત સિંઘે કરેલા ગોલને કારણે પ્રથમ હાફ સમયે 1-0ની લીડ પણ મેળવી લીઘી હતી. મેચની 73 મિનિટ સુધી મુંબઈનો મેચ પર નિયંત્રણ હોય તેમ લાગતું હતું જોકે 74 મિનિટે એમિલિયાનો એલ્ફેરોએ પુણે સિટી માટે પ્રથમ ગોલ કરતા સ્કોર 1-1ની બરાબરીએ પહોંચી ગયો હતો. મેચની અંતિમ ક્ષણોમાં જ એમિલિયાનો ફરી ત્રાટક્યો હતો અને તેણે 90મી મિનિટે કરેલા ગોલે પુણે સિટીનો 2-1થી વિજય થયો હતો. મેચની અંતિમ મિનિટોમાં એમિલિયાનોએ કરેલા ગોલ પુણે માટે બહુમૂલ્ય સાબિત થયા હતા. મેચની બીજા હાફમાં મુંબઈ સિટીએ ઘણી તકો ગુમાવી હતી. અંતે મહારાષ્ટ્રિયન ડર્બીમાં પુણેનો વિજય થયો. એમિલિયાનોના એટેક અંગે અગાઉથી માહિતગાર હોવાછતાં મુંબઈની ટીમ તેને તોડ ન શોધી શકી.