કોલકત્તા : આર્જેન્ટીનાના મહાન ફુટબોલ ખેલાડી ડિએગો મેરાડોના ત્રણ દિવસની કોલકાતાની મુલાકાતે આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર મેરાડોનાની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. જનમેદનીએ તેમના નામની બુમો પાડી હતી અને મેરાડોનાએ તેમને નિરાશ કર્યા ન હતા. તેમણે લોકો નું અભિવાદન પણ ઝિલ્યું હતું.
ભારે સુરક્ષા વચ્ચે વિશ્વના આ મહાન ફુટબોલ ખેલાડીને હોટલે લઈ જવાયા હતાં. મેરાડોના બીજીવાર કોલકાતાની મુલાકાતે આવ્યા છે. અગાઉ તેઓ ડિસેમ્બર 2008માં કોલકાતાના મહેમાન બન્યા હતાં. કોલકાતામાં તેમને ખુબ જ વ્યસ્ત કાર્યક્રમ છે.
તેઓ મંગળવારે બારાસાતની આદિત્ય સ્કૂલ ઓફ સ્પોર્ટસના નવા સ્પોર્ટસ સ્ટેડિયમમાં ચેરિટી મેચ રમનાર છે. વિરોધી ટીમ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની હશે. સેવન એ સાઈડ એવી આ મેચમાં અનેક વર્તમાન અને પૂર્વ ફુટબોલ દિગ્ગજોનો સમાવેશ કરાયો છે. આ મેચ 40 મિનિટની હશે. મેચ જોવા માટે પાંચ હજાર જેટલા દર્શકો ઉપસ્થિત રહેનાર છે.