રોમ : રિયલ મેડ્રિડના પૂર્વ સ્ટ્રાઇકર રોબિન્હોને ઇટાલીમાં ગેંગરેપના આરોપ સર નવ વર્ષની સજા સંભળાવાઈ છે. આ ઘટના જાન્યુઆરી ૨૦૧૩ની છે જ્યારે રોબિન્હો સીરિએ ફૂટબોલ લીગમાં એસી મિલાન તરફથી રમતો હતો. ઇટાલિયન કોર્ટે ૩૩ વર્ષીય રોબિન્હોને ૨૨ વર્ષની અલ્બેનિયન મહિલાના બળાત્કારમાં દોષિત ગણાવી સજા ફટકારી હતી. તેની સાથે અન્ય પાંચ લોકો પણ દોષિત સાબિત થયા હતા પરંતુ તેમને કેટલી સજા સંભળાવાઈ તે અંગે જાણકારી બહાર આવી નહોતી.
મળતી માહિતી અનુસાર રોબિન્હો અને અન્ય પાંચ લોકોએ વર્ષ ૨૦૧૩માં મિલાન શહેરમાં મહિલાને વધુ પડતો દારૂ પીવડાવ્યો હતો જેને કારણે મહિલા બેભાન બની ગઈ હતી. તે પછી આ મહિલા સાથે ગેંગરેપ કરાયો હતો. કોર્ટના આ ચુકાદા સામે રોબિન્હોને બે અપીલ કરવાનો અધિકાર મળશે. તે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇટાલી આ ફૂટબોલરના પ્રત્યાર્પણની માગ કરી શકે છે. જોકે, બ્રાઝિલ પોતાના નાગરિકના પ્રત્યાર્પણની માગને મોટેભાગે અસ્વીકાર કરે છે. મિલાનની કોર્ટે પીડિતાને ૬૦ હજાર યૂરો (૭૧ હજાર ડોલર)ની રકમ વળતરના રૂપમાં આપવા આદેશ કર્યો છે.
રોબિન્હોએ બ્રાઝિલ માટે ૧૦૦ મેચ રમી છે અને આ મેચમાં તેણે ૨૮ ગોલ કર્યા છે. રોબિન્હોએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૨મા સાંતોસ ફૂટબોલ ટીમ તરફથી કરી હતી. તે પછી ૨૦૦૫મા રિયલ મેડ્રિડ સાથે જોડાયો હતો અને ત્રણ વર્ષ સુધી આ ક્લબ તરફથી રમ્યો હતો. બે વર્ષ સુધી રોબિન્હો માન્ચેસ્ટર સિટી તરફથી રમ્યા બાદ ૨૦૧૦માં એસી મિલાન ટીમમાં સામેલ થયો હતો. તે પાંચ વર્ષ સુધી આ ક્લબ તરફથી રમ્યા બાદ પોતાના દેશ પરત ફર્યો હતો. અત્યારે તે બ્રાઝિલની એટલેટિકો મિનેરિયો તરફથી રમી રહ્યો છે.