અમદાવાદ: ભારતીય હૉકી ટીમ રવિવારે જપાનના કાકામિગાહરામાં મહિલા એશિયા કપની ફાઇનલમાં ચીનને પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી હરાવીને ચૅમ્પિયન બની ગઈ હતી. ટીમના આ લાજવાબ પર્ફોર્મન્સને બિરદાવવા હૉકી ઇન્ડિયાએ ટીમના દરેક મેમ્બરને એક-એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. જાહેરાત પ્રમાણે ટીમના ૧૮ ખેલાડીઓ અને હેડ કોચને એક-એક લાખ તથા અન્ય સહાયક સ્ટાફને ૫૦ હજાર રૂપિયા આપવામાં આવશે. ભારતીય મહિલા હૉકી ટીમ ૨૦૦૪ બાદ પહેલી વાર એશિયન ચૅમ્પિયન બની હતી અને એ સાથે એણે આવતા વર્ષે લંડનમાં યોજાનારા મહિલા વર્લ્ડ કપ માટે પણ ક્વૉલિફાય કરી લીધું હતું. ટુર્નામેન્ટ દરમ્યાન ભારતીય ટીમે એનાથી બહેતર રૅન્કિંગવાળી ચીન અને જપાનની ટીમને હરાવી હતી. ઉપરાંત ટીમે ટુર્નામેન્ટમાં કુલ ૨૮ ગોલ કર્યા હતા અને હરીફ ટીમને માત્ર પાંચ જ ગોલ કરવા દીધા હતા.
ગયા મહિને બંગલા દેશની રાજધાની ઢાકામાં રમાયેલી પુરુષોની એશિયા કપ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ચૅમ્પિયન બની હતી અને રવિવારે મહિલા ટીમે એ જ પરાક્રમ કરીને દેશને ડબલ ચૅમ્પિયનશિપ અપાવી હતી. આવી ડબલ ચૅમ્પિયનશિપની સિદ્ધિ ભારતીય ટીમે બીજી વાર મેળવી છે. આ પહેલાં ૨૦૦૪માં એશિયા કપમાં પુરુષ અને મહિલા બન્ને ટીમ ચૅમ્પિયન બની હતી.
રૅન્કિંગમાં ટૉપ ટેનમાં પ્રવેશ
એશિયા કપની જીતને લીધે ભારતીય મહિલા ટીમના રૅન્કિંગમાં પણ સુધારો થયો છે અને બે સ્થાનના સુધારા સાથે દસમા ક્રમાંક સાથે ટૉપ ટેનમાં પ્રવેશ કરી લીધો છે. યુરોપિયન ચૅમ્પિયન નેધરલૅન્ડ્સ રૅન્કિંગમાં નંબર વન છે. પુરુષ ટીમે રૅન્કિંગમાં એનો છઠ્ઠો ક્રમાંક જાળવી રાખ્યો હતો.