રવિવારે જ્યારે સ્ટાર દોડવીર દુતી ચંદે પોતે સમલૈંગિક હોવાનો ખુલાસો કર્યો ત્યારે બધાનું ધ્યાન તેના એ ખુલાસા પર ખેંચાયું હતું, આ સ્ટાર દોડવીર દેશની એવી પહેલી એથલીટ છે જેણે એવું સ્વીકાર્યું છે કે તે સમલૈંગિક છે. દુતીએ કહી દીધું હતું કે તે તેના ગામની એક છોકરી સાથે રિલેશનશિપમાં છે. દુતીએ એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કરી હતી. હાલમાં હૈદરાબાદમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની તૈયારી કરી રહેલી દુતીએ આ મુદ્દે મુક્ત મને વાત કરી હતી અને તેણે એવું સ્પષ્ટ કરી દીધું હતું કે હું યોગ્ય દાખલો બેસાડવા માગું છું અને તેના માટે હું કોઇથી ડરીને પાછી પાની નહીં કરુ.
દુતીએ ફરી એકવાર એવું કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા કલમ 377 અંગે અપાયેલો ચુકાદો અમારા માટે તો તાજી હવાના અહેસાસ જેવો હતો. આપણે કોને પ્રેમ કરીએ અને કોની સાથે રહીએ છીએ તેને લઇને આપણાને જજ કરવાની જરૂર કોઇને નથી. આ ખુબ જ અંગત પસંદગી છે, હું કોઇને પણ દુખ નથી પહોંચાડતી. આ નિર્ણય પછી અમે જાહેર રીતે પોતાને સશક્ત માનીએ છીએ.
દુતીએ એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે મારી પાર્ટનરનું નામ હું જાહેર કરવા નથી માગતી. તે હાલમાં જાહેરમાં આવવા માગતી નથી હું તેની આ લાગણીનું સન્માન કરું છું. હું આ બધી બાબતોથી ટેવાયેલી છું, પણ તે હજુ તેનાથી ટેવાયેલી નથી અને હું એવું કંઇ કરવા નથી માગતી જેનાથી તેને સમસ્યા થાય.
દુતીએ કરેલા ખુલાસા પછી પોતાના પરિવાર પાસેથી ધમકી મળી રહી છે, પણ આ એથ્લીટને તેનાથી કોઇ ફરક પડતો નથી. દુતીએ કહ્યું હતું કે મારી મોટી બહેને ઘમકી આપી છે કે તે મને ઘરમાંથી કાઢી મુકશે. તેણે મારા ભાઇ સાથે પણ એવું જ કર્યું છે. પણ હું તેની ધમકીથી ડરવાની નથી, હું પુખ્ત છું અને જે ઇચ્છું તે કરી શકું છું.