મુખ્યમંત્રી નીતિશ કુમારે ધારાસભ્યો માટે આદેશ જારી કર્યો છે કે તમામ ધારાસભ્યો આગામી 72 કલાક સુધી પટનામાં જ રહેશે. તેઓ બહાર ન જાય. આ આદેશ બાદ બિહારના રાજકારણમાં નવા-જુનીના એંધાણ મળી રહ્યા છે. આગામી રાજ્યસભાની ચૂંટણી પહેલા બિહારના રાજકારણમાં મોટા ફેરફારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. એક તરફ જાતિ ગણતરીના બહાને નીતિશ અને તેજસ્વીની નજીક આવી રહ્યા છે તો બીજી તરફ JDUની અંદરથી જ બળવાના સમાચાર આવી રહ્યા છે.
સીએમ નીતિશ કુમાર કેન્દ્રીય પ્રધાન આરસીપી સિંહને ફરીથી રાજ્યસભામાં મોકલવા માંગતા નથી, જ્યારે સૂત્રોનું માનીએ તો, આરસીપી રાજ્યસભાની લાલચ છોડવા તૈયાર નથી. આવી સ્થિતિમાં પાર્ટીની અંદરથી એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે જો RCPનું પત્તું કપાશે તો તેઓ પાર્ટી તોડી શકે છે. તે પોતાના કેમ્પના ધારાસભ્યો સાથે અલગ થઈ શકે છે.
આ જ કારણ છે કે જેડીયુના ટોચના નેતાઓ કોઈપણ નુકસાન પહેલા પોતાની તૈયારી મજબૂત કરવા માંગે છે. આ અંતર્ગત JDU ધારાસભ્યોની સહી કરાવવાનો મામલો પણ સામે આવી રહ્યો છે. આ સિવાય જે ધારાસભ્યો RCPના સ્થાને ચૂંટાયેલા અન્ય નેતાને સમર્થન આપશે તેમને પટનામાં જ રહેવાનું કહેવામાં આવી રહ્યું છે.