ભુવનેશ્વર : અહીં રમાઈ રહેલી હોકી વર્લ્ડ લીગ ફાઇનલ્સમાં ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન યથાવત્ રહેતાં જર્મની સામે ૨-૦થી હારનો સામનો કરવો પડયો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં ૧-૧થી ડ્રો કરી હતી પરંતુ શુક્રવારે બીજી મેચમાં ઇંગ્લેન્ડ સામે ૩-૨થી હાર મળી હતી હવે જર્મની સામે પણ પરાજય મળતાં ગ્રૂપ બીમાં ચોથા સ્થાને રહી હતી. આઠ ટીમો વચ્ચે રમાઈ રહેલી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે જ્યાં તેનો સામનો ગ્રૂપ એમાં ટોચના સ્થાને રહેનારી બેલ્જિયમ સામે થઈ શકે છે. બેલ્જિયમ અત્યારે બે મેચમાં છ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તે મંગળવારે નેધરલેન્ડ્સ સામે ટકરાનાર છે. આ ગ્રૂપમાં બીજા સ્થાને સ્પેન છે જેના ત્રણ પોઇન્ટ છે.
ગ્રૂપ બીમાં જર્મની ત્રણ મેચમાં બે જીત અને એક ડ્રો સાથે પ્રથમ નંબરે છે જ્યારે ઇંગ્લેન્ડની ટીમ એક જીત, એક હાર અને એક ડ્રો સાથે બીજા નંબરે છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાના ત્રણેય મુકાબલા ડ્રો કર્યા હતા જેને કારણે ત્રણ પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. મેચના પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય ટીમે જર્મન ટીમને રોકવામાં સફળતા મેળવી હતી અને જર્મન સર્કલમાં કેટલાક સારા મૂવ બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી ચિંગલેન સાના જર્મનીના સર્કલ સુધી પહોંચ્યો હતો પરંતુ તેના પાસને આકાશદીપસિંહ યોગ્ય રીતે કલેક્ટ ન કરતાં ગોલ થઈ શક્યો નહોતો. બીજા ક્વાર્ટરમાં જર્મનીના કેપ્ટન ર્માિટન હેનરે ગોલ કરી ટીમને ૧-૦થી લીડ અપાવી હતી. તેની છ મિનિટ બાદ ફર્ક બેનેડિક્ટે ફિલ્ડ ગોલ કરી ટીમની લીડ ૨-૦ કરી દીધી હતી. તે પછી જર્મનીની ટીમને ભારતીય ટીમે ગોલ કરવા દીધો નહોતો જ્યારે ભારત પણ એકેય ગોલ ન કરી શકતાં મેચ ૨-૦થી હારી ગઈ હતી.