દિલ્લી: ગુરજીત કૌરના શાનદાર ગોલન મદદથી કજાખસ્તાનને હરાવીને ભારતીય મહિલા હૉકી ટીમ એશિયા કપ ટૂર્નામેન્ટ 2017ની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કાકામિધારા ક્વાસ્કી સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને કજાખસ્તાનને 7-1થી હાર આપી હતી.
જો કે કજાખસ્તાને બીજી જ મીનીટે ગોલ કરી મેચની શરૂઆત કરી હતી. મેચની શરૂઆતની બીજી મિનિટમાં વીરા દોમાશનેવાએ ફિલ્ડ ગોલ કરી કજાખસ્તાને ખાતુ ખોલાવ્યું હતું. જો કે ત્યાર બાદ ટીમને બીજો ગોલ કરવાની તક મળી ન હતી.ગુરજીતે ચોથી મિનિટમાં ગોલ કરી ભારતનું ખાતુ ખોલતા સ્કોર 1-1ની બરાબરી કરી દીધો હતો. દીપ ગ્રેસ એક્કાએ બીજા ક્વાર્ટરમાં 16મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર મળેલી તકને ગોલમાં તબદીલ કરતા ટીમનો સ્કોર 2-1નો થયો હતો. ત્યાર બાદ નવનીત કૌરે 22મી મિનિટ અને 27મી મિનિટમાં બે ગોલ કરી ભારતીય ટીમને 4-1ની સરસાઇ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરમાં દીપે ફરી એક વખત પેનલ્ટી કોર્નર પર ગોલ કરતા ભારતનો સ્કોર 5-1નો થયો હતો. ગુરજીતે શાનદાર દેખાવ કરતા મેચની 42મી અને 56મી મિનિટમાં ગોલ કરી પોતાની હૈટ્રિક પૂરી કરી હતી અને ભારતીય ટીમને 7-1થી જીત અપાવી હતી.