એફઆઇએચ સિરીઝ ફાઇનલ્સ હોકી ટુર્નામેન્ટમાં શુક્રવારે અહી ભારતીય ટીમ જ્યારે સેમી ફાઇનલ રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે તેમની સામે એશિયન ચેમ્પિયન જાપાન જેવી ટીમ આકરો પડકાર ઊભો કરી શકે છે. જો કે મનપ્રીતની આગેવાનીમાં ભારતીય ટીમ પોતાના ઘરઆંગણેની પરિસ્થિતિને કારણે વિજયની પ્રબળ દાવેદાર તરીકે મેચમાં ઉતરશે.
ભારતીય ટીમે નવા કોચ ગ્રેહામ રિડની દેખરેખમાં ટુર્નામેન્ટના શરૂઆતના રાઉન્ડમાં ઓછી રેન્કિંગ ધરાવતી ટીમ સામે મોટા વિજયો મેળવ્યા છે, પણ તેમણે હજુ સુધી પોતાની સર્વશ્રેષ્ઠ રમત બતાવી નથી. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી ટીમ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારી એફઆઇએચ ઓલિમ્પિક્સ ક્વોલિફાયર માટે ક્વોલિફાય થશે.
ભારતીય ટીમે પુલ સ્ટેજમાં રશિયા અને ઉઝબેકિસ્તાન બંને સામે 10-0થી વિજય મેળવ્યો છે અને તે પછી પોલેન્ડને 3-1થી હરાવ્યું હતું. મનપ્રીત સિહંની આગેવાની હેઠળની ટીમનું પ્રદર્શન જો કે પ્રભાવશાળી રહ્યું નથી. મનપ્રીતની આગેવાનીમાં મિડ ફિલ્ડરોએ સારી રમત બતાવી પણ ફોરવર્ડ્સ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય રહ્યા છે. ભારતીય ટીમે ત્રણેય મેચમાં ગોલ કરવાની ઘણી તક ઊભી કરી પણ ફોરવર્ડે તેમાંથી મોટાભાગની તક ગુમાવી હતી.
આકાશદીપને છોડીને કોઇ અન્ય સ્ટ્રાઇકર ટૂર્નામેન્ટમાં હજુ સુધી એટલો ખતરનાક લાગ્યો નથી. મનદીપ સિંહ અને યુવા ગુરસાહિબજીત સિંહે જ્યાં અલગ અલગ સારું પ્રદર્શન કર્યું છે, તો ઇજામાંથી પાછો ફરેલો રમનદીપ સિંહ હજું રિધમમાં જણાયો નથી.