ભારતના યુવા ટેબલ ટેનિસ ખેલાડીઓ જોરદાર પ્રદર્શન કરીને રવિવારે બેંગકોકમાં એસઇટી થાઇલેન્ડ જૂનિયર એન્ડ કેડેટ ઓપનમાં ચાર બ્રોન્ઝ મેડલ જીતી લીધા હતા. ઓસિક ઘોષ અને આશિષ જૈને બોયઝ સિંગલ્સમા, સયાની પાંડાએ ગર્લ્સ સિંગલ્સમા અને જૂનિયર બોયઝ ટીમના મનિષ શાહ તેમજ રીગન અલ્બુક્વેર્ક અને દીપ્તિ પાટિલે ટીમ તરીકે જોરદાર પ્રદર્શન કરીને સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું, પણ અંતિમ ચારની મેચમાં પરાજયને કારણે તેમણે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
ઓસિકે હોંગકોંગના પ્રતિભાશાળી ખેલાડી માસા હિકો યાનને ક્વાર્ટર ફાઇનલમાં 3-1થી હરાવ્યો હતો, પણ તે સેમી ફાઇનલમાં સિંગાપોરના તાન નિકોલસ સામે 1-3થી હાર્યો હતો. આશિષે પણ થાઇલેન્ડના વોરાસેટ બી સામે 3-0થી વિજય મેળવ્યો હતો પણ સેમી ફાઇનલમાં તે પણ સીંગાપોરના લે ઇલિવર્થ સામે 1-3થી હાર્યો હતો.
ગર્લ્સ વિભાગમાં સયાનીએ ક્વાર્ટર ફાઇનલમાં માલદીવની ફાતિમા ધીમાને 3-2થી હરાવીને સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું પણ અહીં તે હોંગકોંગની સેમ લો સામે 0-3થી હારી ગઇ હતી,. ભારતની નંબર વન ટીમ માનુષ, રીગન અને દીપ્તિ પાટિલ સેમી ફાઇનલમાં તો પહોંચી હતી પણ ત્યાં સિંગાપોરની ટીમ સામે 0-3થી તેમનો પરાજય થયો હતો.