ભારતીય મહિલા હોકી ટીમે શનિવારે પોતાનાથી નીચલી રેન્કિંગવાળી ટીમ ચીલીને એફઆઇએચ સિરીઝ ફાઇનલ્સની સેમી ફાઇનલમાં 4-2થી હરાવીને ટોક્યો ઓલિમ્પિક્સ ક્વોલિફાયરના અંતિમ રાઉન્ડમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું હતું, આ ટૂર્નામેન્ટની બે ટોચની ટીમ વર્ષના અંતે રમાનારી 2020 ઓલિમ્પિક્સ ક્વોલિફાયર માટે ક્વોલિફાઇ થવાની હતી અને ભારતીય મહિલાઓએ તેના માટે પોતાનું સ્થાન પાકું કરી લીધું હતું.
મેચની 18મી મિનીટમાં કેરોલિના ગાર્સિયાના ગોલની મદદથી ચીલીએ 1-0ની સરસાઇ મેળવી લીધી હતી.જો કે ભારતીય મહિલાઓએ તરત જ ગોલ કરીને સ્કોર બરાબરી પર મુક્યો હતો. 22મી મિનીટમાં ગુરજીત કૌરના ગોલથી સ્કોર 1-1ની બરોબરીનો થયો હતો અને હાફ ટાઇમ સુધી આ સ્કોર જળવાઇ રહ્યો હતો.
તે પછી ભારતે તે પછી 31મી મિનીટમાં નવનીત કૌરના ગોલથી ભારતીય ટીમે 2-1ની સરસાઇ મેળવી હતી અને તે પછી થોડી વારમાં 37મી મિનીટમાં ગુરજીત કૌરે પોતાનો બીજો અને ભારતીય ટીમનો ત્રીજો ગોલ કરીને સ્કોર 3-1 પર મુક્યો હતો. તે પછી ચીલી તરફથી મેનુએલા ઉરોજે 43મી મિનીટમાં ગોલ કરતાં સ્કોર 3-2 થયો હતો અને ભારતીય ટીમની કેપ્ટન રાની રામપાલે 57મી મિનીટમાં ગોલ કરતા અંતે ભારત આ મેચ 4-2થી જીતી ગયું હતું.