ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝનની 23 માર્ચથી શરૂઆત થઇ રહી છે અને તમામ ટીમો તેની તૈયારીમાં જોતરાયેલી છે. આ લીગમાં વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનો ભાગ લે છે, પણ જો વાત સૌથી વધુ રન કરવાની હોય ત્યારે તેમાં ટોપ-5 પર ભારતીય બેટ્સમેનોનો કબજો રહ્યો છે. આઇપીએલમાં સૌથી વધુ રન કરનારા ખેલાડીઓ પર એક નજર નાખી લઇએ.
1 સુરેશ રૈનાઃ મેચ 176, રન 4985, 1 સદી, 35 અર્ધસદી
ચેન્નઇ સુપર કિંગ્સ વતી રમતો સુરેશ રૈના ધોનીની આગેવાની હેઠળની આ ટીમનો મહત્વનો સભ્ય છે. આઇપીએલની તમામ સિઝન મળીને સર્વાધિક રન કરનારા બેટ્સમેનોની યાદીમાં તે ટોચના સ્થાને બેઠેલો છે. રૈનાએ 176 મેચ રમી છે, જેમાં તેણે 4985 રન કર્યા છે. તેણે લીગમાં અત્યાર સુધી એક સદી અને 35 અર્ધસદી ફટકારી છે. રૈનાએ 2016 અને 2017ની સિઝનમાં ગુજરાત લાયન્સ ટીમનું સુકાન સંભાળ્યું હતુ અને તે ત્રણવાર એક સિઝનમાં 500 કે તેનાથી વધુ રન બનાવી ચુક્યો છે.
2 વિરાટ કોહલીઃ મેચ 163, રન 4948, 4 સદી, 34 અર્ધસદી
ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આઇપીએલમાં સર્વાધિક રન કરવા મામલે બીજા ક્રમે બેઠો છે. તેણે કુલ 163 મેચમાં 4948 રન બનાવ્યા છે. જો કે પહેલા ક્રમે બેઠેલા સુરેશ રૈના કરતાં તેના માત્ર 37 રન જ ઓછા છે. કોહલીએ આઇપીએલમાં 4 સદી અને 34 અર્ધસદી ફટકારી છે. રસપ્રદ વાત એ છે કે તેણે ચારેય સદી 2016ની એક જ સિઝનમાં ફટકારી હતી. એ સિઝનમાં કોહલીએ 16 મેચમાં 973 રન બનાવ્યા હતા.
3 રોહિત શર્માઃ મેચ 173, રન 4493, 1 સદી 34 અર્ધસદી
મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા આ યાદીમાં ત્રીજા ક્રમે છે, તેણે 173 મેચમાં કુલ 4493 રન કર્યા છે. જેમાં તેના નામે એક સદી અને 34 અર્ધસદી બોલે છે. રોહિતે શરૂઆતની 3 સિઝન ડેક્કન ચાર્જર્સ વતી રમી હતી, જેમાંથી 2009માં તેઓ ચેમ્પિયન બન્યા હતા. રોહિત 2011થી મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાયો હતો અને 2013માં મુંબઇની ટીમ પહેલીવાર ચેમ્પિયન બની, તે પછી રોહિતની કેપ્ટનશીપ હેઠળ મુંબઇએ 2015 અને 2017માં ટ્રોફી જીતી હતી. તે એકપણવાર બેટ્સમેનો માટેની ઓરેન્જ કેપ જીતી શક્યો નથી.
4 ગૌતમ ગંભીરઃ મેચ 154, રન 4217, 36 અર્ધસદી
માજી ભારતીય ઓપનર ગૌતમ ગંભીર આ યાદીમાં ચોથા ક્રમે આવે છે. તેણે 154 મેચમાં કુલ 4217 રન કર્યા છે. તે દિલ્હી ડેરડેવિલ્સ (હાલની દિલ્હી કેપિટલ્સ) વતી સતત ત્રણ સિઝન રમ્યો હતો. તે પછી કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે તે જોડાયો હતો અનેં તેની કેપ્ટનશિપ હેઠળ કેકેઆર 2012 અને 2014માં ચેમ્પિયન બની હતી. ગંભીરના નામે આઇપીએલમાં 34 અર્ધસદી બોલે છે. તે 7 વર્ષ સુધી કેકેઆર સાથે જોડાયેલો રહ્યો હતો, અને ગત સિઝનમાં તે ફરી દિલ્હી ડેરડેવિલ્સ સાથે જોડાયો હતો.
5 રોબિન ઉથપ્પાઃ મેચ 165 રન 4086, 23 અર્ધસદી
આઇપીએલમાં 165 મેચમાં 4086 રન સાથે રોબિન ઉથપ્પાનું નામ આ યાદીમાં પાંચમા ક્રમે આવે છે. કેકેઆર સાથે 2014માં તે જોડાયો તે પહેલા ઉથપ્પા મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પુણે વોરિયર્સ વતી રમી ચુક્યો છે. જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સે 2014માં આઇપીએલની ટ્રોફી જીતી હતી ત્યારે ઉથપ્પા પણ એ ટીમમાં સામેલ હતો. તેના નામે 23 અર્ધસદી બોલે છે.