જાણકારોની વાત જો સાચી હોય તો દેશના અવ્વલ ઔદ્યોગિક ઘરાણાના આંગણે ઢોલ વાગવાની તૈયારી થઈ રહી છે. ધીરુભાઈ અંબાણીના પૌત્ર અને મુકેશ અંબાણીના પુત્ર આકાશની સગાઈ બહુ જલ્દી થવાની છે એવા સમાચાર પીટીઆઈ દ્વારા વહેતાં થયા પછી ઔદ્યોગિક અને ગ્લેમર વિશ્વમાં હાલ તે ટોકિંગ પોઈન્ટ બન્યા છે.
પહેલો સવાલ તો એ થાય કે દેશના આ સૌથી ધનાઢ્ય ખાનદાનની વહુ બનવાનું સદભાગ્ય મેળવનાર છોકરી કોણ છે? કેટલાંક સૂત્રો આ સવાલના જવાબમાં જેનાં તરફ આંગળી ચિંધે છે તેનું નામ છે શ્લોકા. શ્લોકા પણ અબજોપતિ પરિવારની દીકરી છે. તેના પિતા રસેલ મહેતા ડાયમંડ કિંગ તરીકે બહુ મોટી નામના ધરાવે છે. હાલ અંબાણી અને મહેતા પરિવાર નનૈયો ભણે છે, પરંતુ જો સૂત્રો દ્વારા માહિતી મળતી સાચી હોય તો કેટલાંક અઠવાડિયામાં આકાશ અને શ્લોકાની સગાઈની તેમજ ડિસેમ્બરમાં લગ્નની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, રોઝી બ્લ્યુ ડાયમન્ડના માલિક રસેલ મહેતા અને અંબાણી પરિવાર વચ્ચે લાંબા સમયથી ઘરોબો છે તેમજ આકાશ અને શ્લોકા બંને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણ્યાં હોવાથી એકમેક સાથે જૂનો પરિચય ધરાવે છે. પીટીઆઈ દ્વારા આ સમાચારની ખરાઈ માટે અંબાણી અને મહેતા પરિવારને કેટલાંક ઈમેઈલ કરવામાં આવ્યા હતા પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો ન હતો.