દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ સૂત્રને આત્મસાત કરનાર વિશ્વ પ્રસિદ્ધ પૂજ્ય જલારામબાપાની ૨૨૦મી જન્મ જયંતિની ઉજવણી માટે દેશ વિદેશમાંથી ભાવિકો વીરપુરધામ ખાતે આવી પહોંચ્યા છે અને ગામલોકો તેમજ જગ્યા દ્વારા પણ સમગ્ર ગામને ધજા પતાકાથી તેમજ રોશનીથી શણગારવામાં આવ્યું છે.
ગાગર જેવડા વીરપુરમાં સાગર જેવડા સંત શ્રી જલારામબાપાનો જન્મ અભીજીત નક્ષત્રમાં સવંત ૧૮૫૬ કારતક સુદ સાતમના દિવસે થયો હતો. ધજ્યા ટૂકડો ત્યાં હરિ ઢુકડોધ સૂત્રને જીવનમંત્ર બનાવી સાર્થક કરનાર સંત શિરોમણિ પુ.જલારામબાપાની આજે ૨૨૦મી જન્મ જયંતિ નિમિતે તેઓની જન્મભૂમિ અને કર્મભૂમી વીરપુરધામમાં દેશ-વિદેશથી ભાવિકોનો પ્રવાહ ઉમટી પડયો છે. જેમાં ખાસ કરીને ગુજરાતના સુરત, વલસાડ, વાપી, ચીખલી, નડીયાદ તેમજ આસપાસના ગામોમાંથી અનેક પગપાળા યાત્રાસંઘ, ધૂનમંડળીઓ સાથે ભક્તજનો પૂજ્ય બાપાને ચરણે શીશ ઝુકાવવા આવી પહોંચ્યા હતા,
પુ.બાપાની જન્મજયંતિ હોઇ જલીયાણધામ વીરપુરમાં વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા રોડ રસ્તાઓ તેમજ મેઈન બજારોમાં ધજા, પતાકા તેમજ રોશનીથી શણગારી દિવાળી કરતા પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે, વેપારીઓ દ્વારા દુકાનો, હોટેલો તેમજ વીરપુરવાસીઓ દ્વારા ઘેર- ઘેર આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધજાપતાકા, આંગણે રંગોળી, દિવડાઓ તેમજ લાઈટ ડેકોરેશનથી સુશોભીત કરવામાં આવેલ છે. તેમજ સેવભાવીઓ દ્વારા ભાવિકો માટે વિના મુલ્યે ઠંડી છાશ, સરબત, પાણી તથા ગરમ નાસ્તાના સ્ટોલ ઊભાં કરવામાં આવ્યા છે.
બાપાની જન્મ જ્યંતી નિમિતે વહેલી સવારે બાપાના સમાધી સ્થળે બાપાના પરીવાર દ્વારા પુજા – અર્ચના કર્યા બાદ સવારના છ વાગ્યે મંદિર લોકોના દર્શનાર્થે ખુલ્લું મુકાશે જે રાત્રીના નવ વાગ્યા સુધી લોકોના દર્શનાર્થે ખુલ્લું રહેશે.