મેડ્રિડ : માજી વર્લ્ડ નંબર વન મહિલા ખેલાડી રોમાનિયાની સિમોના હાલેપે અહીં રમાઇ રહેલી મેડ્રિડ ઓપનની મહિલા સિંગલ્સની સેમી ફાઇનલમાં બેલિન્ડા બેનસિચને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે, હવે ફાઇનલમાં તેનો સામનો કિકી બર્ટેન્સ સામે થશે, જેણે સેમી ફાઇનલમાં અમેરિકાની સ્લોઅન સ્ટીફન્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
શુક્રવારે રાત્રે ત્રણ સેટ સુધી ચાલેલી બીજી સેમી ફાઇનલમાં હાલેપે સ્વિટઝરલેન્ડની બેલિન્ડા બેનસિચને 6-2, 6-7, 6-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રોમાનિયાની આ સ્ટાર ખેલાડી પોતાની કેરિયરમાં ચોથી વાર અહીં ફાઇનલમાં પહોંચી છે. જો હાલેપ આ ટુર્નામેન્ટ જીતી જશે તો તે ફરી એકવાર મહિલા રેન્કિંગમાં નંબર વન પર પહોંચી જશે. હાલમાં તે ત્રીજા ક્રમે છે. આ પહેલા રમાયેલી અન્ય એક સેમી ફાઇનલમાં કિકી બર્ટેન્સે 2017ની યુએસ ઓપન ચેમ્પિયન સ્લોઅન સ્ટીફન્સને 6-2, 7-5થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો..