યૂઍફાના માજી અધ્યક્ષ મિશેલ પ્લાતીનીની 2022ના ફીફા વર્લ્ડ કપની યજમાની કતરમને સોંપવાના વિવાદની તપાસ સંદર્ભે મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. તપાસ અંગે માહિતી ધરાવતા ઍક સૂત્રઍ આ માહિતી આપી હતી. ફ્રાન્સના મહાન ફૂટબોલર પ્લાતીનીને 2007માં યુરોપિયન ફૂટબોલની સંચાલન સંસ્થાના અધ્યક્ષ બનાવાયા હતા.
કતરને ૨૦૨૨ની યજમાની સોંપવાના કેસની તપાસ કરી રહેલી ફ્રાન્સની ઍન્ટી કરપ્શન પોલીસે તેમને હિરાસતમાં લીધા છે. કતરને જ્યારે વર્લ્ડ કપની યજમાની સોંપાઇ ત્યારે વિવાદ સર્જાયો હતો અને જે તે સમયે આ અંગે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વાતો થઇ હતી. 2015 સુધી યુઍફાના અધ્યક્ષ રહેલા પ્લીતીનીને નૈતિક આચાર સંહિતાના ભંગ બદલ 4 વર્ષ માટે ફૂટબોલમાંથી પ્રતિબંધિત જાહેર કરાયા હતા. તેમના પર ફીફાના દાગી અધ્યક્ષ સૈપ બ્લાટર પાસેથી 20 લાખ ડોલર લેવાનો આરોપ છે.
કતર પર વર્લ્ડ કપની યજમાની મેળવવા વોટ ખરીદવાનો આરોપ મુકાયો તે પછી અમેરિકાના સ્વતંત્ર તપાસકાર માઇકલ ગાર્સિયાના રિપોર્ટમાં ઘણી શંકાસ્પદ નાણાકીય લેવડદેવડનો ખુલાસો થયો હતો. તેમાથી ઘણાં બાર્સિલોનાના માજી અધ્યક્ષ સેન્ડ્રો રોસેલ સાથે જાડાયેલા હતા, તેઓ કતરના સલાહકાર પણ હતા.