નવ દિવસમાં દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં લીટરે ૨.૨૪ પૈસા, કોલકત્તામાં ૨.૨૧ પૈસા, મુંબઈમાં ૨.૨૨ પૈસા અને ચેન્નાઈમાં ૨.૩૬ પૈસા વધારો નોંધાયો છે. ઇન્ડીયન ઓઈલના આંકડા મુજબ ડિઝલના ભાવમાં પણ લીટરે અનુક્રમે ૨.૧૫ પૈસા, ૨ રૂપિયા, ૨.૨૮ પૈસા, અને ૨.૩૧ પૈસા વધારો થયો છે. જેમાં મંગળવારે આ ચાર શહેરોમાં પેટ્રોલના ભાવમાં લીટરે ૨૯-૩૨ પૈસાનો વધારો નોંધાયો છે. જયારે ડિઝલના ભાવમાં લીટરે ૨૬-૨૮ પૈસાનો વધારો થયો છે.
કર્ણાટક ચૂંટણી સમાપ્ત થયા બાદ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.એ સોમવારે ૧૯ દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં રોજબરોજ ભાવ વધારો શરૂ કર્યો છે. જેની સીધી અસર સામાન્ય લોકો પર પડી રહી છે.જેમાં છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલના ભાવ ૭૦ પૈસા રૂપિયા પ્રતિ લીટર વધી ચૂક્યા છે. તેમાંથી ૨૨ પૈસા પ્રતિ લીટરનો વધારો આજે કરાયો છે. જેનાથી દિલ્હીમાં પેટ્રોલ ૭૫.૩૨ રૂપિયા લીટર સુધી પહોંચી ગયું હતું. જે છેલ્લા પાંચ વર્ષમાં સર્વોચ્ચ સ્તરે હતું. જ્યારે ડીઝલના ભાવમાં 86 પૈસા લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. જેમાંથી ૨૨ પૈસાનો વધારો આજે કરાયો છે. દિલ્હીમાં ડીઝલ ૬૬.૭૯ રૂપિયા પ્રતિ લીટરના પોતાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હ્તો.
આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલ ને સીએનજી ગેસના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે . ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર ભાવવધારાનું ધીમું ઝેર આપીને દેશના કરોડો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને આર્થિક રીતે મારવાનું કામ કરી રહી છે. “પાણીનો નળ (ચકલી) ખોલો ત્યારે પાણીના બદલે પેટ્રોલ નીકળશે’ તેવું કહેનાર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં પ્રજાનું તેલ નીકળી રહ્યું છે. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલમાં બેફામ ભાવવધારો કરાતા હવે ગુજરાત સરકાર કેન્દ્રના અન્યાય સામે કેમ ચૂપ છે ? કોંગ્રેસના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વખતે ગોવા, આંધ્રપ્રદેશ સહિતની કોંગ્રેસશાસિત સરકારોએ રાજ્ય સરકારના વેરામાં ઘટાડો કરીને નાગરિકોને મોંઘવારીમાં રાહત આપી હતી, તેવી રીતે હવે પેટ્રોલ-ડીઝલ અને ગેસ પરના વેરાની વર્ષે રૂ. ૧૦ હજાર કરોડથી વધુની આવક કરતી ગુજરાતની ભાજપ સરકાર દ્વારા વસુલાતા પેટ્રોલ-ડીઝલ ઉપરના ૨૪% અને CNG-PNG ઉપરના ૧૫% વેરામાં ઘટાડો કરીને ગુજરાતની પ્રજાને રાહત આપવી જોઈએ.