અમદાવાદ : ભારતની ટોચની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ ચાઇના ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. તો બીજી તરફ સાઇના નેહવાલ અને એચ. એસ. પ્રણોયનો બીજા રાઉન્ડમાં પરાજય થતાં બંને બહાર થઈ ગયા છે. જેને કારણે હવે આ ચેમ્પિયનશિપમાં પીવી સિંધુના રૂપમાં એક માત્ર ભારતની આશા રહેલી છે.
પીવી સિંધુએ ક્વાટર ફાઇનલમાં કર્યો પ્રવેશ
ચાઇના ઓપન ૨૦૧૬ની ચેમ્પિયન પી. વી. સિંધુએ બીજા રાઉન્ડમાં ચીનની હાન યુઈ સામે ૪૦ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૫, ૨૧-૧૩થી પરાજય આપ્યો હતો. સિંધુએ આ પહેલાં પ્રથમ રાઉન્ડમાં જાપાની સયાકા સાતોને ૫૯ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૪-૨૨, ૨૧-૨૧થી હાર આપી હતી. હવે ક્વાર્ટર ફાઇનલમાં સિંધુનો સામનો ૮૯મો રેન્ક ધરાવતી ચીની ફેંઝી ગાઓ સામે થશે.
સાઇના નેહવાલ અને પ્રણોયના અભિયાનનો અંત
મહિલા સિંગલ્સના અન્ય એક મુકાબલામાં સાઇના નેહવાલને પાંચમી ક્રમાંકિત જાપાની અકાને યામાગુચીએ ૨૧-૧૮, ૨૧-૧૧થી પરાજય આપ્યોહતો. સાઇનાનો યામાગુચી સામે પાંચ મેચ પૈકી ચોથો પરાજય હતો. સાઇનાએ ૨૦૧૪માં યામાગુચીને હરાવી હતી તે પછી આ વર્ષે બંને ચોથી વખત ટકરાયા હતા અને ચારેય વખત સાઇનાને હાર મળી છે. વિશ્વમાં ૧૧મી રેન્ક ધરાવતા પ્રણોયને ૫૩મી રેન્ક ધરાવતા હોંગકોંગના ચિયુક યિઉ લીએ ૨૧-૧૯, ૨૧-૧૭થી હરાવી ઉલટફેર કર્યો હતો. તાજેતરમાં સાઇના નેહવાલ અને એચ. એસ. પ્રણોય નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજેતા બન્યા હતા તેમના માટે આ પરિણામ નિરાશાજનક રહ્યા હતા.