ભારતીય મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ શાનદાર પ્રદર્શન કરતા હોંગકોંગ ઓપન સુપર સિરીઝ બેડમિન્ટનની ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની અકાને યામાગૂચીને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ગત વર્ષની રનર અપ સિંધુનો સેમિફાઇનલમાં થાઇલેન્ડની રત્ચાનોક ઇન્તાનોન સામે થશે.
૩૬ મિનિટ સુધી ચાલેલા ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં સિંધુએ યામાગૂચીને ૨૧-૧૨, ૨૧-૧૯થી સીધા સેટમાં પરાજય આપ્યો હતો. આ પહેલાં ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલમાં યામાગૂચીએ પરાજય આપ્યો હતો તેનો બદલો પણ સિંધુએ લઈ લીધો હતો. આ જીત સાથે સિંધુએ યામાગૂચી સામે જીત-હારનો રેકોર્ડ ૪-૨ કરી દીધો છે.
પ્રથમ સેટમાં શરૂઆતથી જ પીવી સિંધુ હાવી રહી
પીવી સિંધુએ પ્રથમ સેટમાં શરૃઆતથી જ લીડ જાળવી રાખતાં યામાગુચીને મેચમાં પરત ફરવાની તક આપ્યા વિના ૨૧-૧૨થી સેટ જીતી લીધો હતો. બીજા સેટમાં સિંધુએ ૩-૦થી લીડ મેળવી હતી પરંતુ યામાગુચીએ મેચમાં વાપસી કરતાં ૮-૮ની બરાબરી કરી લીધા બાદ સતત પાંચ પોઇન્ટ મેળવી ૧૩-૮ની સરસાઈ મેળવી લીધી હતી. સિંધુએ પણ લડત આપતાં ૧૮-૧૮ની બરાબરી કરી લીધા બાદ બીજો સેટ ૨૧-૧૯થી જીતી સેમિમાં પ્રવેશ મેળવ્યો હતો.
સેમીફાઇનલમાં સિંધુનો સામનો થાઇલેન્ડની ઇન્તાનોન સામે થશે
સેમિમાં સિંધુનો સામનો છઠ્ઠો ક્રમાંક ધરાવતી થાઇલેન્ડની રત્ચાનોક ઇન્તાનોન સામે થશે. જોકે, રત્ચાનોક સામે સિંધુનો રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. બંને વચ્ચે આ પહેલાં પાંચ મુકાબલા યોજાયા છે જે પૈકી ઇન્તાનોને ચાર વખત જીત મેળવી છે અને સિંધુએ માત્ર એક જ વખત જીત મેળવી છે.