કોલુન : ભારતની સ્ટાર શટલર પી.વી. સિંધુએ ચાર લાખ ડોલર ઇનામી રકમવાળી હોંગકોંગ ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે પરંતુ સાઇના નેહવાલ અને એચ.એસ. પ્રણોયનો બીજા રાઉન્ડમાં પરાજય થતાં બહાર થઈ ગયાં છે. વિશ્વમાં ત્રીજી રેન્ક ધરાવતી સિંધુએ બીજા રાઉન્ડમાં જાપાનની આયા ઓહોરીને ૩૯ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૪, ૨૧-૧૭થી પરાજય આપ્યો હતો.
ક્વાર્ટર ફાઇનલમાં સિંધુનો સામનો જાપાનની અકાને યામાગૂચી સામે થશે. બંને ખેલાડીઓ વચ્ચેના આ મુકાબલાને હાઈ પ્રોફાઇલ માનવામાં આવી રહ્યો છે. બંને ખેલાડી કારકિર્દીમાં છઠ્ઠી વખત ટકરાશે. આ પહેલાં પાંચ મુકાબલા પૈકી યામાગૂચીએ ત્રણ અને સિંધુએ બે વખત જીત મેળવી હતી. અન્ય એક મહિલા સિંગલ્સની મેચમાં સાઇના નેહવાલને ચીનની ચેન યુફેઈએ એક કલાકના સંઘર્ષ બાદ ૧૮-૨૧, ૨૧-૧૯, ૨૧-૧૦થી પરાજય આપ્યો હતો. સાઇના યુએઈ સામે પ્રથમ વખત ટકરાઈ હતી જેમાં હારનો સામનો કરવો પડયો હતો.
પુરૂષ સિંગલ્સમાં એચ. એસ. પ્રણોયને જાપાનના કઝુમાસા સકાઈએ ૫૪ મિનિટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૧૧-૨૧, ૨૧-૧૦, ૨૧-૧૫થી પરાજય આપી બહાર કર્યો હતો.
સિંધુ-શ્રીકાંત રેકિંગમાં ત્રીજા સ્થાને ધકેલાયા
ગુરૂવારે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા રેન્કિંગ જાહેર કરાઈ હતી જેમાં પીવી સિંધુ અને કિદાંબી શ્રીકાંતને ૧-૧ સ્થાનનું નુકસાન થતાં ત્રીજા સ્થાને ધકેલાઈ ગયાં છે. મહિલા વિભાગમાં સિંધુનો ચાઇના ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પરાજય થયો હતો જેને કારણે એક સ્થાનનું નુકસાન થયું હતું જ્યારે પુરૂષ વિભાગમાં કિદાંબી શ્રીકાંત ઇજાને કારણે ચાઇના ઓપનમાંથી ખસતાં તેને પણ એક સ્થાનનું નુકસાન થયું હતું. સાઇનાને એક સ્થાનનો ફાયદો થતાં ફરી ટોપ-૧૦માં પહોંચી ગઈ છે. સાઇનાને ચીનની સુન યુના ખરાબ પ્રદર્શનનો પણ ફાયદો થયો હતો. સુન યુને ચાર સ્થાનનું નુકસાન થતાં તે ૧૧મા ક્રમાંકે ધકેલાઈ ગઈ છે. સાઇના છેલ્લે ૨૫ મેના રોજ ટોપ-૧૦માં સામેલ હતી.