દુબઇ : દુબઇમાં શરૂ થયેલી વર્લ્ડ સુપર સીરીઝમાં સંઘર્ષમય શરૂઆત કરી છે. ટોચના આઠ ખેલાડીઓ વચ્ચે શરૂ થયેલી દુબઈ વર્લ્ડ સુપર સિરીઝ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતીય સ્ટાર ખેલાડી પી.વી. સિંધુએ મહિલા સિંગલ્સમાં ચીનની હી બિંગઝિયાઓને પરાજય આપી વિજયી શરૂઆત કરી હતી. પણ પુરુષ સિંગલ્સમાં કિદાંબી શ્રીકાંતને વિશ્વના નંબર વન ખેલાડી ડેન્માર્કના વિક્ટર એક્સલસેને પરાજીત કરી વિજય શરૂઆત કરી હતી.
બેડમિન્ટન વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવતી પી. વી. સિંધુએ એક કલાક ચાર મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૧, ૧૬-૨૧, ૨૧-૧૮થી પરાજય આપ્યો હતો. સિંધુએ પ્રથમ સેટમાં ૨-૨ની બરાબરી બાદ સતત લીડ જાળવી રાખતાં પ્રથમ સેટ ૨૧-૧૧થી જીતી લીધો હતો. બીજા સેટમાં પણ સિંધુએ ૫-૨ની સરસાઈ મેળવી હતી પરંતુ બિંગઝિયાઓએ મેચમાં પરત ફરતાં ૭-૭ની બરાબરી બાદ ૧૨-૧૨ની બરાબરી મેળવી લીધી હતી.
તે પછી બિંગઝિયાઓએ સિંધુને બીજા સેટમાં પરત ફરવાની તક આપ્યા વિના ૨૧-૧૬થી સેટ જીતી લીધો હતો. ત્રીજા અને નિર્ણાયક સેટમાં પહોંચેલી મેચમાં બંને શરૂઆતમાં ૬-૬ની બરાબરી પર રહ્યા બાદ સિંધુએ ૧૨-૭ની સરસાઈ મેળવી હતી. બિંગઝિયાઓએ પણ મેચમાં પરત ફરતાં લીડ ઘટાડી ૧૭-૧૬ કરી હતી પરંતુ સિંધુએ તે પછી ત્રીજો સેટ ૨૧-૧૮થી જીતી મેચ પણ પોતાના નામે કરી હતી. બીજી લીગ મેચમાં પી.વી. સિંધુનો સામનો જાપાનની સયાકા સાતો સામે થશે.
પુરુષ સિંગલ્સમાં ચોથો ક્રમાંક ધરાવતા શ્રીકાંતને એક્સલસેને ૩૮ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૩, ૨૧-૧૭થી પરાજય આપ્યો હતો. આજે શ્રીકાંતનો સામનો ચાઇનીઝ તાઈપેઈના ચોઉ ટિઆન ચેન સામે થશે.