ફ્રાંસ : ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ભલે વ્યક્તિગત એવોર્ડને લઈને હવે ચિંતિત થતો હોય પણ આમ છતા તે સાત બેલેન ડી ઓર એવોર્ડ જીતવા માંગે છે. સાથે તે સાત બાળકો પણ ઇચ્છે છે. એમ એટલા માટે કે તેનો 7 લકી નંબર છે. તેની જર્સીનો નંબર પણ સાત છે. ‘સીઆર7’નામથી તેનો ફેશન બુટીક, ફેશન બ્રાન્ડ, હોટલ ચેઈન વગેરે છે.
રોનાલ્ડોએ એક ઇન્ટરવ્યૂમાં કરી વાત
રિયલ મેડ્રિડના સ્ટાર ફૂટબોલર રોનાલ્ડોએ ફ્રાન્સના અખબાર લી એકિપેને આપેલા એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી. રોનાલ્ડો સપ્તાહની શરૂઆતમાં ચોથી વખત પિતા બન્યો હતો. તેની ગર્લફ્રેન્ડ જિયોર્જિયા રોડ્રિગ્જે પુત્રીને જન્મ આપ્યો હતો. ચાર વખત ફિફા વર્લ્ડ પ્લેયર ઓફ યર બની ચુકેલા રોનાલ્ડોને વખતે પણ નોમિનેશન મળ્યું છે. તે આગામી મહિને પાંચમી વખત બેલેન ડી ઓર એવોર્ડ જીતી શકે છે.
32 વર્ષના રોનાલ્ડોએ જણાવ્યું હતું કે જો તમે મને પુછશો કે શું હું એવોર્ડ જીતવા માંગું છું તો હું કહીશ કે હા હું જીતવા માંગું છું. મને ખબર છે કે પાંચમો બેલેન ડી ઓર જીતવો મારા જીવનમાં કેટલો મહત્વનો છે. હું તો ફૂટબોલમાંથી નિવૃત્તિ પહેલા સાત બેલેન ડી ઓર જીતવા માંગું છું. સાથે બાળકો પણ આટલા ઇચ્છું છું. જ્યાં સુધી હું રમતો રહીશ ત્યાં સુધી મારા જીતની મહત્વકાંક્ષા રહેશે. તેથી મારું સપનું પાંચમાં બેલેન ડી ઓરનું છે. પછી છઠ્ઠો અને પછી સાતમો. મારે ચાર બાળકો છે. બે પુત્ર-બે પુત્રી. મારે હજું ત્રણ બાળકોની ઇચ્છા છે. જેટલા બાળકો હોય તેટલા બેલેન ડી ઓર એવૉર્ડ હોય તેવી ઇચ્છા છે. મને વિશ્વાસ છે કે બધું મેળવી લઈશ.
રોનાલ્ડોના ત્રણ બાળકો સરોગેસીથી જન્મ્યા છે. રોનાલ્ડો પોતાના ખરાબ ફોર્મના કારણે ટિકા સહન કરી રહ્યો છે. તે સિઝનમાં લા લીગાની સાત મેચમાં ફક્ત એક ગોલ કરી શક્યો છે. રોનાલ્ડોએ જણાવ્યું હતું કે હાલ સિઝનની શરૂઆત થઈ છે. ઘણી મેચો બાકી છે. જલ્દી બદલાઈ જશે. કોઈને ચિંતા કરવાની જરૂર નથી. લોકો મને ગોલ મશીન ગણે છે, તે ઇચ્છે છે કે હું હંમેશા ગોલ કરું. મને ફક્ત ગોલ સ્કોરિંગથી જજ કરવામાં આવે છે. જો મેં ગોલ ના કર્યો તો મારા ફોર્મ ઉપર સવાલ ઉભા થવા લાગે છે. હું ટિકાઓનું સ્વાગત કરું છું પણ તેનાથી સહમત હોતો નથી. જોકે મારી પાસે ટિકાઓને સાંભળવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તમે દુનિયાને કંટ્રોલ કરી શકતા નથી. આમ થતું આવ્યું છે અને હંમેશા થતું રહેશે.