વિશ્વના પૂર્વ નંબર વન ગોલ્ફ ખેલાડી ટાઇગર વૂડ્સ ઇજામાંથી સ્વસ્થ થઈ ગયો છે અને તે ૩૦ નવેમ્બરથી ત્રણ ડિસેમ્બર સુધી યોજાનાર હીરો વર્લ્ડ ચેલેન્જમાં ભાગ લેશે. વૂડ્સે ફેબ્રુઆરીમાં દુબઈ ડેઝર્ટ ક્લાસિકમાંથી નામ પરત લીધા બાદ યોજાયેલી ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો નથી.
ઇજાને કારણે તે ૨૦૧૫-૧૬ સિઝનમાં પણ ભાગ લઈ શક્યો નહોતો. આ વર્ષે એપ્રિલમાં વૂડ્સે પોતાની પીઠનું ઓપરેશન કરાવ્યું હતું. આ તેની પીઠનું ચોથું ઓપરેશન હતું. આ સર્જરીને કારણે તે બાકીની સિઝનમાં રમી શક્યો નહોતો. ટાઇગર વૂડ્સે અત્યાર સુધી ૭૯ પીજીએ ટૂર ટાઇટલ જીત્યા છે અને તે સેમ સ્નિડના ૮૨ ટાઇટલના રેકોર્ડથી ત્રણ ડગલાં દૂર છે. જોકે, ટાઇગર વૂડ્સ વર્ષ ૨૦૧૩ બાદ એકેય ટાઇટલ જીતી શક્યો નથી. ટાઇગર વૂડ્સ સતત ૨૮૧ અઠવાડિયા સહિત કુલ ૬૮૩ અઠવાડિયા સુધી નંબર વન ખેલાડી રહ્યો છે પરંતુ અત્યારે ૧,૧૭૧મા ક્રમે ધકેલાઈ ગયો છે.
ટાઇગર વૂડ્સે કહ્યું કે, ગોલ્ફ કોર્સ પર પરત ફરવાને લઈ ઘણો ઉત્સાહિત છું. ટાઇગર વૂડ્સની રેન્કિંગ ૧,૧૭૧ છે અને આ ટૂર્નામેન્ટમાં ટોચના ૫૦ ખેલાડીઓ જ ભાગ લઈ શકે છે પરંતુ વર્ષ ૨૦૧૫માં નિયમો બદલાયા હતા જે મુજબ ટૂર્નામેન્ટના યજમાનને સ્પોન્સર દ્વારા એક ખેલાડી સામેલ કરવાની છૂટ આપવામાં આવી છે તે મુજબ વૂડ્સને સ્થાન અપાયું છે.