નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી સોફ્ટવેર એક્સપોર્ટર્સ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ તાજેતરમાં પોતાની યશકલગીમાં વધુ એક છોગું ઉમેર્યુ છે. TCS હવે દુનિયાની સૌથી મૂલ્યવાન આઇટી કંપની બની ગઇ છે. તેણે બજાર મૂલ્યની રીતે પ્રથમવાર Accentureને પાછળ છોડી દીધી છે.
ટીસીએસનો શેર ગત ગુરુવારે બીએસઇ ખાતે 3.19 ટકાની વૃદ્ધિ સાથે 2825 રૂપિયા પર બંધ થયો હતો. જેના પગલે કંપનીની માર્કેટકેપ વધીને 144.73 અબજ ડોલર એટલે કે 10.60 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઇ હતી. Accentureનું માર્કેટકેપ નાસ્ડેક ખાતે 143.4 અબજ ડોલર એટલે કે 10.52 લાખ કરોડ રૂપિયા અને આઇબીએમની માર્કેટ કેપિટલાઇઝેશન 118.2 અબજ ડોલર એટલે કે 8.67 લાખ કરોડ રૂપિયા છે.
તાજેતરમાં કરી 16,000 કરોડના શેર બાયબેકની જાહેરાત
તાજેતરમા જ ટાટા ગ્રૂપની અગ્રણી કંપની ટીસીએસ ત્રિમાસિક પરિણામો જાહેર કરવાની સાથે સાથે 16,000 કરોડ રૂપિયાના ઇક્વિટી શેર બાયબેક કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત સપ્ટેમ્બર ક્વાર્ટરના પ્રોત્સાહક પરિણામો જાહેર કરતા કંપનીના શેરમાં તેજી આવી છે. કંપનીએ ઇક્વિટી શેર દીઠ 12 રૂપિયાનું બીજું વચગાળાનું ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક સરખામણીએ 3 ટકા વધીને 40,135 કરોડ રૂપિયા રહી છે.