ઓગસ્ટ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ દરમિયાન જીએસટી દ્વારા રૂ. ૭.૧૯ લાખ કરોડની આવક થઇ છે તેમાં રૂ. ૧.૧૯ લાખ કરોડ સેન્ટ્રલ જીએસટી અને રૂ. ૧.૭૨ લાખ કરોડ સ્ટેટ જીએસટી છે. ઉપરાંત રૂ. ૩.૬૬ લાખ કરોડની આઇજીએસટી (જેમાં આયાતના રૂ. ૧.૭૩ લાખ કરોડનો સમાવેશ થાય છે) આવક થઇ હતી. સેસ દ્વારા રૂ. ૬૨,૦૨૧ કરોડની આવક સરકારને થઇ છે. આઠ મહિના માટે સરેરાશ માસિક કલેક્શન રૂ. ૮૯,૮૮૫ કરોડ રહ્યું છે.
કોઇ પણ મહિના માટે સ્થાનિક સપ્લાયનો ટેક્સ રિટર્ન દ્વારા નક્કી થાય છે અને બીજા મહિને તેનો ટેક્સ કલેક્ટ થાય છે. આઇજીએસટી અને ઇમ્પોર્ટ સેસ સમાન મહિનામાં જ કલેક્ટ કરવામાં આવે છે. આમ, ગયા નાણાંકીય વર્ષમાં સ્થાનિક સપ્લાય પરનો જીએસટી માત્ર આઠ મહિના માટે (ઓગસ્ટ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮) વસૂલવામાં આવ્યો હતો જ્યારે આઇજીએસટી અને આયાત પરનો સેસ નવ મહિના (જુલાઇ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮) કલેક્ટ કરવામાં આવ્યો છે. જો જુલાઇ મહિનાના જીએસટીને ગણતરીમાં લેવામાં આવે તો પ્રોવિઝનલ જીએસટી કલેક્શન રૂ. ૭.૪૧ લાખ કરોડ ગણી શકાય.
જીએસટીના અમલના શરૂઆતના મહિનાઓમાં રિટર્ન ભરવાની બાબતે અનેક સમસ્યાઓ જોવા મળી હતી પરંતુ સરકારે તથા જીએસટી કાઉન્સિલે એક પછી એક તમામ ખામીઓ નિવારવા માચે સતત પગલાં લીધા હતા અને વેપારીઓની લેટ ફી કે પેનલ્ટી પણ નાબૂદ કરી હતી અને તેમને જીએસટીમાં જોડવા માટે ખુલ્લા મનથી સુધારા કર્યાં હતા તેના કારણે જ જીએસટી દ્વારા મોટી આવક થઇ છે. જીએસટીને વેપારીઓ કેટલા અંશે સ્વિકારશે તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા પરંતુ નવ મહિના દરમિયાન રૂ. ૭.૪૧ લાખ કરોડની આવક, રિટર્ન ફાઇલીંગનો સુધરેલો રેશિયો અને દરેક રાજ્યના રેવેન્યૂ ગેપમાં થયેલો ઘટાડો સૂચવે છે કે જીએસટીને સૌએ આવકાર્યો છે.
આઇજીએસટીના સેટલમેન્ટને પણ ગણતરીમાં લેવામાં આવે તો એસજીએસટી કલેક્શન રૂ. ૨.૯૧ લાખ કરોડ થયું છે અને ગયા નાણાંકીય વર્ષમાં આઠ મહિના માટે રાજ્યોને કુલ રૂ. ૪૧,૧૪૭ કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે. ૨૦૧૫-૧૬ના નાણાંકીય વર્ષને ટેક્સ કલેક્શનનું બેઝ વર્ષ ગણીને તેના ઉપર ૧૪ ટકા લેખે રાજ્યોની આવક રક્ષિત રહે તે માટે આ પ્રકારે કોમ્પેન્સેશન આપવામાં આવ્યું હતું. દરેક રાજ્યોમાં છેલ્લાં આઠ મહિનામાં રેવેન્યૂ ગેપ ઘટી રહ્યો છે અને ગયા વર્ષે સરેરાશ ૧૭ ટકા રેવેન્યૂ ગેપ રહ્યો હતો.