ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ તો વાર છે પણ રાજકીય સોગઠા ગોઠવવાના શરુ થઈ ગયા છે. ખાસ કરીને પાટીદાર સમાજને પોતાની તરફ વાળવા માટેના દાવ રમવામાં આવી રહ્યા છે. તેમાંય વળી ખોડલધામની ફરતે પાટીદાર સમાજનું રાજકીય કુંડાળું સર્જાયું છે.
જેટલી ચર્ચા સીઆર પાટીલ અને નરેશ પટેલની મુલાકાતની થઈ હતી તેના કરતાં વધારે ચર્ચા ભરતસિંહ સોલંકી અને નરેશ પટેલની મુલાકાતની થઈ રહી છે. છોગામાં કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાનું ખુલ્લું નિમંત્રણ આપતા રાજકીય ગરમાટો વધી ગયો છે. જગદીશ ઠાકોરે કહ્યું છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તો લાલ જાજમ પાથરીશું,
નરેશ પટેલ અને સીઆર પાટીલની મીટીંગના ફોટો સોશિયલ મીડિયાથી લઈને ચેનલો પર ખાસ્સા એવા વાયરલ થયા હતા અને પટેલ-પાટીલની હેડલાઈન બની હતી. આમ તો ગુજરાત સરકારમાં પટેલ છે અને ભાજપ સંગઠનના વડા પાટીલ છે. પટેલ-પાટીલની બેલડી દ્વારા ભાજપની સરકાર અને સંગઠન ચાલી રહ્યું છે. નરેશ પટેલને લઈ ચૂંટણીના દિવસોમાં ખાસ્સી ચર્ચા ચાલ્યા કરે છે. સીઆર પાટીલ તેમને મળ્યા ત્યારે પણ આવી જ ચર્ચાઓ ઉપાડો લીધો હતો.
મહત્વની વાત એ છે કે ચૂંટણીના દિવસોમાં જ્યારે-જ્યારે નરેશ પટેલને રાજકીય નેતાઓ મળે છે ત્યારે ચર્ચા ચાલે છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી જ્યારે નરેશ પટેલને મળ્યા ત્યારે પણ આવી જ ચર્ચાઓએ જોર પક્ડયું છે. દરેક વખતની જેમ આ વખતે પણ નરેશ પટેલે ડિપ્લોમેટીક જવાબ આપ્યો છે અને કહ્યું છે કે સમાજ અને આગેવાનો કહેશે રાજકારણમાં સક્રીય થવા વિશે વિચારણા કરવામાં આવશે.
નોંધવું ઘટે કે 2017ની ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર #NareshpatelforCM નામના પેજ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. તે સમયે રાહુલ ગાંધી પણ નરેશ પટેલને મળ્યા હતા. જોકે, નરેશ પટેલ રાજકારણમાં સક્રીય થવા અંગે સીધી રીતે ઈન્કાર કરતા રહ્યા છે. આ વખતે વાત કંઈક જુદી લાગી રહી છે. તેમના સૂરો પણ 2017 કરતાં બદલાયેલા છે. એવું લાગે છે કે આવનાર સમયમાં નરેશ પટેલ પોલિટીક્સમાં પોતાની ઈનિંગ શરુ કરવા માટે તૈયાર થઈ રહ્યા છે.