વર્ષની ત્રીજી ગ્રાન્ડ સ્લેમમાં આજે મંગળવારના દિવસે માત્ર મહિલા સિંગલ્સ તેમજ ડબલ્સની મેચો રમાઇ હતી. પુરૂષ સિંગલ્સની મેચ આજે રમાડવામાં આવી નહોતી. આજની મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં 7મી ક્રમાંકિત રોમાનિયાની સિમોના હાલેપ અને 11મી ક્રમાકિંત અમેરિકન ખેલાડી સેરેના વિલિયમ્સે પોતપોતાની હરીફને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. હાલેપે ચીનની શુઆઇ ઝાંગને જ્યારે સેરેનાઍ ઍલિસન રિસ્કને હરાવીને અંતિમ ચારમાં સ્થાન પાકું કર્યુ હતું
પહેલી કર્વાટર ફાઇનલમાં હાલેપે ઝાંગને સીધા સેટમાં 7-6, 6-1થી હરાવી હતી. હાલેપે આ મેચ 1 કલાક અને 26 મિનીટમાં જીતી હતી. ઝાંગ પહેલીવાર વિમ્બલ્ડનના ચોથા રાઉન્ડમાં રમી રહી હતી પણ તે માજી નંબર વન હાલેપ સામે કોઇ પડકાર ઊભો કરી શકી નહોતી. હાલેપે પાંચ વર્ષ પછી અહીં સેમી ફાઇનલમાં સ્થાન પાકું કર્યુ છે. આ પહેલા તે 2014માં અહીં સેમી ફાઇનલમાં પહોંચી હતી. ગત વર્ષે ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યા પછી તેના પ્રદર્શન નિરંતર કથળ્યું હતું.
આ તરફ પોતાના ૨૪માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલ ભણી વધુ ઍક ડગલું આગળ વધીને સેરેનાઍ અમેરિકાની જ ઍલિસન રિસ્કના પડકારને પાર પાડ્યો હતો. નંબર વન ઍશ્લે બાર્ટીને આગલા રાઉન્ડમાં અપસેટનો શિકાર બનાવનારી રિસ્ક જો કે આજની મેચમાં સેરેના સામે કોઇ જોખમ ઊભું કરી શકી નહોતી. પુરા બે કલાક સુધી ચાલેલી આ મેચમાં સેરેનાઍ પહેલો સેટ 6-4થી જીત્યા પછી બીજા સેટ 4-6થી ગુમાવ્યો હતો, જો કે ત્રીજા સેટમાં તેણે વાપસી કરીને અંતે મેચ 6-4, 4-6, 6-3થી જીતી લઇને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.