ટાઇટલની પ્રબળ દાવેદાર ભારતીય મહિલા હોકી ટીમ શનિવારે મહિલા ઍફઆઇઍચ સિરીઝ ફાઇનલ્સ હોકી ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પોતાનાથી ઓછી રેન્કિંગવાળી ચીલીની ટીમ સામે રમવા ઉતરશે ત્યારે તેમની નજર ટોક્યો ઓલિમ્પિક્સ ક્વોલિફાયરમાં પોતાનું સ્થાન પાકું કરવા પર હશે. ૯મી રેન્કિંગ ધરાવતી ભારતીય ટીમને વિશ્વમાં ૧૬મી ક્રમાંકિત ચીલી સામે જીતવામાં કોઇ સમસ્યા નડવી ન જાઇઍ. ભારતીય ટીમ ટોક્યો ઓલિમ્પિક્ કવોલિફાયરના અંતિમ રાઉન્ડમાં સ્થાન સુરક્ષિત કરવાથી માત્ર ઍક વિજય દૂર છે.
આ ટુર્નામેન્ટમાં ટોચના સ્થાને રહેનારી બે ટીમ આ વર્ષના અંત ભાગે રમાનારી ક્વોલિફાયરમાં સ્થાન મેળવશે. ભારતીય ટીમને તમામ મેચમાં ગોલ કરવાની પુરતી તકો મળી હતી પણ અંતિમ ક્ષણોમાં થતી ભુલને કારણે તેઓ મોટા માર્જીનથી જીતી શક્યા નથી. કોચ સાર્ડ મારિને કહ્યુ હતું કે હજુ પણ સુધારાની જરૂર છે. અમારી ગોલ કરવાની ટકાવારી આનાથી સારી થઇ શકતી હતી.