અોપન ઍરાના ઇતિહાસમાં સૌથી નાની વયે વિમ્બલ્ડનના મુખ્ય ડ્રોમાં ક્વોલિફાઇ થયેલી અમેરિકાના ફલોરિડાની કોરી ગોફનો 2004માં જ્યારે જન્મ થયો ત્યારે તેણે જેની સામે વિમ્બલ્ડનના પહેલા રાઉન્ડની મેચ રમવાની છે તે વિનસ વિલિયમ્સે 4 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી લીધા હતા. વળી વિનસે જ્યારે 2008માં પાંચમીવાર વિમ્બલ્ડન ટાઇટલ પોતાના નામે કર્યુ ત્યારે કોરી માત્ર 4 વર્ષની હતી.
કોરી ગોફ જ્યારે જન્મી ત્યારે વિનસે 10 વર્ષની પ્રોફેશનલ કેરિયર પુરી કરી નાખી હતી. જો કે કોરી ગોફને પોતાની પહેલા રાઉન્ડની મેચ જીતી જવાનો વિશ્વાસ છે અને તે માને છે કે તે વિજય મેળવશે ત્યારે ઉપસ્થિત દર્શકો ચિચિયારીઓ પાડતા હશે. પોતાના પ્રેકિટસ સેશનની સાથે સ્કૂલ હોમવર્ક પણ કરી રહેલી કોરીઍ ગ્રાસકોર્ટની સૌથી અનુભવી ખેલાડીની જેમ મેચ રમીને સતત ત્રીજી મેચ સીધા સેટમાં જીતી હતી. પોતાની આ સિદ્ધિ પછી કોરીઍ કહ્યું હતું કે હું જાણતી હતી કે હું અંડર ડોગ છું અને હું તેનો આનંદ માણી રહી છું.