UPI MDR ચાર્જ: સરકારી ખાતામાં એક પણ પૈસો નહીં જાય, ગ્રાહકો પર બોજ નહીં; સમજો MDR નું આખું ગણિત
દેશમાં દરરોજ કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ને લઈને તાજેતરમાં સામે આવેલા એક સમાચારથી સામાન્ય નાગરિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ૧૫ ઓક્ટોબરથી ₹૨,૦૦૦ થી વધુની ચૂકવણી પર શુલ્ક લાદવાની વાતે લોકોમાં એવી ગેરસમજ ઊભી કરી હતી કે હવે ડિજિટલ પેમેન્ટ કરવા માટે વધારાનો ખર્ચ કરવો પડશે. જોકે, કેન્દ્ર સરકાર અને સરકારી સૂત્રોએ આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. સરકારે દેશના કરોડો ઉપયોગકર્તાઓને આશ્વાસન આપ્યું છે કે નવા નિયમોથી સામાન્ય ગ્રાહકો પર કોઈ નાણાકીય બોજ પડશે નહીં અને સરકારી તિજોરીમાં આ ચાર્જનો એક પણ પૈસો જશે નહીં.
નવા નિયમો અને ગ્રાહકો માટે સુરક્ષા
૧૫ ઓક્ટોબરથી અમલમાં આવનારા નવા નિયમો અનુસાર, ₹૨,૦૦૦ થી વધુના વેપારી વ્યવહારો (મર્ચન્ટ પેમેન્ટ્સ) પર ૦.૪ ટકા MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) લાદવામાં આવશે. સરકારી વર્તુળોએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ ચાર્જ સામાન્ય ગ્રાહકના ખિસ્સામાંથી લેવામાં આવશે નહીં. આ સમગ્ર ખર્ચ માત્ર વેપારીઓ અથવા દુકાનદારો દ્વારા વહન કરવામાં આવશે.
રાજકીય વિરોધ અને ટીકાઓના જવાબમાં સરકારી સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે MDR થકી એકત્ર થનારી રકમ કોઈ સરકારી ટેક્સ, સેસ કે સરચાર્જ નથી. આ રકમનો એક પણ રૂપિયો સરકાર પાસે જવાનો નથી. તેના બદલે, આ નાણાં UPI ની સુરક્ષિત અને ઝડપી ડિજિટલ સિસ્ટમ ચલાવનારી બેંકો અને પેમેન્ટ કંપનીઓ વચ્ચે વહેંચવામાં આવશે, જેથી દેશનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બની શકે.
MDR રકમનું વહેંચણી મોડેલ
પ્રસ્તાવિત સુધારા હેઠળ એકત્રિત થયેલા MDR ના ૪૦ ટકા હિસ્સો ગ્રાહકની બેંકને મળશે, ૩૦ ટકા રકમ પેમેન્ટ ગેટવે પ્રોવાઇડરને, ૨૦ ટકા રકમ જે તે UPI એપ (જેમ કે PhonePe, Google Pay વગેરે) ને અને બાકીના ૧૦ ટકા પ્રાયોજક બેંકને ચૂકવવામાં આવશે. આ પારદર્શક વહેંચણીથી ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને નાણાકીય રીતે આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે.
નાના વેપારીઓ અને સામાન્ય વ્યવહારો મુક્ત
જો તમને એવું લાગતું હોય કે સ્થાનિક કરિયાણા કે નાના દુકાનદારોને આનાથી નુકસાન થશે, તો તે ધારણા તદ્દન ખોટી છે. નવા નિયમોમાં નાના વેપારીઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જે દુકાનદારો UPI QR કોડ દ્વારા દર મહિને ₹૧ લાખ સુધીનું પેમેન્ટ સ્વીકારે છે, તેમના પર કોઈ નવો MDR ચાર્જ લાગુ થશે નહીં. રિપોર્ટ અનુસાર, ભારતમાં થતા લગભગ ૯૬ ટકા વેપારી વ્યવહારો આ જ મર્યાદામાં આવે છે.
આ ઉપરાંત, વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) ટ્રાન્સફર માટેનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. મિત્રો, પરિવારજનો કે સગા-સંબંધીઓને મોકલવામાં આવતા નાણાં પર ભલે તે રકમ ગમે તેટલી હોય, એક પણ રૂપિયો ચાર્જ લાગશે નહીં. આ સેવા સંપૂર્ણપણે મફત રહેશે.
આવશ્યક સેવાઓ પર કેપ્ડ ચાર્જ
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ૧૫ સપ્ટેમ્બરે જારી કરેલા પરિપત્ર મુજબ કેટલીક વિશિષ્ટ સેવાઓ માટે ખાસ મુક્તિ આપવામાં આવી છે. રેલવે, ટેલિકોમ, બળતણ (પેટ્રોલ-ડીઝલ) અને વીમા જેવી અતિ આવશ્યક સેવાઓ માટે ₹૨,૦૦૦ થી વધુની ચૂકવણી પર મહત્તમ ફ્લેટ ₹૫ નો ચાર્જ રહેશે. શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ૦.૦૨ ટકાથી પણ ઓછો રખાયો છે. જો કોઈ ગ્રાહક ₹૭૫,૦૦૦ થી વધુની મોટો વ્યવહાર કરે છે, તો પણ મહત્તમ MDR ₹૩૦૦ થી વધુ હોઈ શકે નહીં.
બજારમાં ફેલાયેલી અફવાઓ અને ગેરસમજોને દૂર કરવા માટે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) ટૂંક સમયમાં વ્યાપક જાગૃતિ ઝુંબેશ હાથ ધરશે. વધુમાં, એકત્ર થયેલી આવકમાંથી ૫ ટકા રકમનો ઉપયોગ નાના વેપારીઓમાં UPI ના પ્રસાર માટે કરવામાં આવશે, જ્યારે ભવિષ્યમાં GST કાઉન્સિલ આ MDR પર લાગતા ૧૮ ટકા GST માં ઘટાડો કરવા વિચારણા કરી શકે છે.
