અમેરિકાનું મોટું પગલું, ગાઝામાં નરસંહારની તપાસની માંગ કરનારા 3 સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો
અમેરિકાએ ગાઝામાં નરસંહારની તપાસની માંગણી કરનારા ત્રણ પેલેસ્ટાઈન માનવાધિકાર સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે. આ જૂથોનાં નામ અલ-હક (Al-Haq), અલ-મેઝાન સેન્ટર ફોર હ્યુમન રાઇટ્સ (Al-Mezan Center for Human Rights) અને પેલેસ્ટાઈન સેન્ટર ફોર હ્યુમન રાઇટ્સ (PCHR) છે.
આ ત્રણેય સંગઠનો આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલય (ICC)માં ગાઝામાં ઇઝરાયેલના હુમલા અને કથિત નરસંહાર સામે તપાસ અને કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ICC એક આંતરરાષ્ટ્રીય કોર્ટ છે જે વિશ્વના સૌથી ગંભીર અપરાધો, નરસંહાર અને માનવતા વિરુદ્ધના અપરાધો પર કામ કરે છે.
પીએમ નેતન્યાહુ વિરુદ્ધ ષડયંત્રનો આરોપ
આ માનવાધિકાર સંગઠનોએ અમેરિકી સરકારના આ પગલાને અયોગ્ય અને દમનકારી ગણાવ્યું છે. બીજી બાજુ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ મીડિયામાં નિવેદન આપ્યું કે આ જૂથો ICC સાથે મળીને ષડયંત્ર રચી રહ્યા હતા. વિદેશ મંત્રીનો દાવો હતો કે આ સંગઠનો ઇઝરાયેલના પીએમ બિન્યામીન નેતન્યાહુ અને પૂર્વ સંરક્ષણ મંત્રી યોઆવ ગેલન્ટ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરાવવાની ફિરાકમાં હતા.
The US sanctioned Palestinian rights groups Al-Haq, PCHR and Al-Mezan, accusing them of aiding ICC efforts to investigate or prosecute Israelis without Israel’s consent https://t.co/Zcyw4VvvmC pic.twitter.com/0FSLAUEVrO
— Al Jazeera English (@AJEnglish) September 4, 2025
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે તણાવ ક્યારથી ચાલી રહ્યો છે?
માહિતી મુજબ, આ ત્રણેય માનવાધિકાર સંગઠનોએ ગાઝામાં ઇઝરાયેલના સૈન્ય અભિયાનો (2023-2025)ને ‘નરસંહાર’ ગણાવીને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ફરિયાદો કરી હતી. નોંધનીય છે કે ગાઝામાં હાલ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લડાઈ ચાલી રહી છે. બંને વચ્ચે આ સંઘર્ષ ઓક્ટોબર 2023થી ચાલી રહ્યો છે.