અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું, ભારત-અમેરિકાની ભાગીદારી નિર્ણાયક
ચીનમાં ચાલી રહેલા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો. આ દરમિયાન તેમની મુલાકાત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે થઈ. આ બેઠકોની વચ્ચે અમેરિકા તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ભારત-અમેરિકાના સંબંધોને 21મી સદીની “નિર્ણાયક ભાગીદારી” ગણાવી છે.
અમેરિકા અને ભારત વચ્ચે તાજેતરમાં તણાવ વધ્યો છે. અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે. આ ઉપરાંત રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને દબાણ બનાવવા માટે વધારાનો 25% ટેરિફ પણ લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી બંને દેશોના સંબંધોમાં કડવાશ આવી છે.
અમેરિકી વિદેશ મંત્રીનું નિવેદન
આ વચ્ચે અમેરિકી વિદેશ મંત્રીના નિવેદને એક નવો રાજકીય સંદેશ આપ્યો છે. ભારતમાં અમેરિકી દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રૂબિયોનું નિવેદન શેર કર્યું. જેમાં તેમણે કહ્યું કે,
“ભારત અને અમેરિકાની ભાગીદારી સતત નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે. આ સંબંધ 21મી સદીનો નિર્ણાયક સંબંધ છે. આ મહિને આપણે પ્રગતિ અને શક્યતાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ, જે આપણને આગળ લઈ જઈ રહી છે. નવીનતા અને ઉદ્યોગસાહસિકતાથી લઈને સંરક્ષણ અને દ્વિપક્ષીય સંબંધો સુધી, આ બંને દેશોની કાયમી મિત્રતા જ છે જે આ યાત્રાને ઊર્જા પ્રદાન કરી રહી છે.”
આ સાથે જ અમેરિકી દૂતાવાસે #USIndiaFWDforOurPeople હેશટેગનો ઉપયોગ કરતા તેને આગળ વધારવાનું આહ્વાન પણ કર્યું.
The partnership between the United States and India continues to reach new heights — a defining relationship of the 21st century. This month, we’re spotlighting the people, progress, and possibilities driving us forward. From innovation and entrepreneurship to defense and… pic.twitter.com/tjd1tgxNXi
— U.S. Embassy India (@USAndIndia) September 1, 2025
રાજકીય મહત્વ
ભારત, રશિયા અને ચીન વચ્ચેની બેઠકો અને તે જ સમયે અમેરિકાના આ નિવેદનને રાજદ્વારી રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત આજે વૈશ્વિક કૂટનીતિનું કેન્દ્ર બની ચૂક્યું છે, જ્યાં દરેક મોટો દેશ પોતાના સંબંધો મજબૂત કરવા માટે ઉત્સુક છે.