પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સેમિનાર સાથે યુવાનોને કૌશલ્ય અને રોજગારી તકો અંગે માર્ગદર્શન
વડોદરાના યુવાનોને ઘરઆંગણે નોકરી અને કૌશલ્ય વિકાસની તકો મળે તે માટે તરસાલી આઈ.ટી.આઈ. કેમ્પસમાં જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. મદદનીશ રોજગાર નિયામકની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભરતીની સાથે સાથે સ્વરોજગાર માર્ગદર્શન શિબિર અને ‘વિકસિત ભારત રોજગાર યોજના’ પર ખાસ સેમિનાર પણ રાખવામાં આવ્યો હતો. આ પહેલનો મુખ્ય હેતુ યુવાનોને આત્મનિર્ભર બનાવી સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવાનો હતો.
૧૧ પ્રતિષ્ઠિત કંપનીઓએ લીધા ઇન્ટરવ્યુ અને ૧૦૦થી વધુની પસંદગી
આ ભરતી મેળામાં વડોદરાની ૧૧ જેટલી નામાંકિત કંપનીઓએ ભાગ લીધો હતો અને કુલ ૨૩૯ જગ્યાઓ માટે ઉમેદવારોની ચકાસણી કરી હતી. ધોરણ ૧૦-૧૨ પાસથી લઈને આઈ.ટી.આઈ., ડિપ્લોમા અને સ્નાતક થયેલા આશરે ૧૫૦ જેટલા યુવક-યુવતીઓએ આ મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઇન્ટરવ્યુની પ્રક્રિયા બાદ ૭૨ ઉમેદવારોને સીધી નોકરી, ૧૫ ને એપ્રેન્ટીસ તરીકે અને ૧૪ ઉમેદવારોને નિઃશુલ્ક કૌશલ્ય તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
સરકારી યોજનાઓ અને ડિજિટલ પ્લેટફોર્મ અંગે વિશેષ માર્ગદર્શન
કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ દ્વારા યુવાનોને રોજગારીના વિવિધ ક્ષેત્રો વિશે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. ઉમેદવારોને વિદેશમાં સુરક્ષિત રીતે નોકરી મેળવવા (Safe & Legal Migration), સ્વરોજગાર માટે મળતી લોન સહાય અને સરકારના ‘અનુબંધમ’ તથા ‘NCS’ પોર્ટલ પર નોંધણી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન અપાયું હતું. આ માર્ગદર્શનથી યુવાનોને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને ભવિષ્યમાં સારી તકો શોધવામાં ઘણી સરળતા રહેશે.

