ગુગલ પર પીજી તરીકે રહેતા છાત્રોના મકાનની જગ્યા સર્ચ કરી જે તે શહેરમાં પહોંચી જઇ હોટલમાં રોકાયા બાદ દિવસ દરમિયાન આ વિસ્તારમાં જઇ રેકી કરીને વહેલી સવારે તે મકાનોમાં ચોરી કરતા શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે હરિયાણાનો આ શખ્સ વડોદરા અને અમદાવાદ તથા હરિયાણા અને આંધ્રપ્રદેશમાં ચોરીના ગુનામાં સંડોવાયેલો છે.
શહેરના વાઘોડીયા રોડ ઉમા સોસાયટીના મકાનમાં પીજી તરીકે રહેતા વિદ્યાર્થીઓના 4 લેપટોપ, 8 મોબાઇલ તથા હાર્ડ ડીસ્ક મળીને 1.70 લાખની મતાની ચોરી થઇ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનાની તપાસ કરતાં બાતમી મળી હતી કે હરિયાણાનો એક શખ્સની સંડોવણી જણાઇ હતી જેથી પોલીસની એક ટીમ હરિયાણાના મેવાતમાં જઇને વેશપલટો કરીને વોચમાં રહી હતી અને બાતમી મુજબના તબરેજ ઉર્ફે રાહુલ ઇકબાલ ઉર્ફે સતીશકુમાર ખાન(તનેજા)ને ઝડપી લીધો હતો.
પોલીસે તબરેજની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે તેના સાગરીત આફતાબની સાથે મળી ગુગલ પર વિવિધ શહેરમાં પીજી તરીકે રહેતાં વિદ્યાર્થીઓના રહેણાંક મકાનોની માહિતી સર્ચ કરતો હતો અને તે માહિતીના આધારે તે હરિયાણાથી વડોદરા આવી વાઘોડીયા રોડની સોસાયટીના મકાનમાં ચોરી કરી હતી. તે સર્ચ કર્યા બાદ જે તે શહેરમાં જતો હતો અને હોટલમાં રોકાઇને દિવસ દરમિયાન સર્ચમાં મળેલી માહિતીના આધારે જે તે મકાન ખાતે જઇને રેકી કરતો હતો અને ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે ચોરી કરી તુરત જ દિલ્હી ભાગી જતો હતો અને ચોરીનો સામાન દિલ્હી અને હરિયાણામાં વેચી દેતો હતો. તેની સામે વડોદરા ઉપરાંત અમદાવાદમાં પણ 10થી વધુ ગુના તથાા હૈદરાબાદ અને ફરીદાબાદમાં પણ ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.આમ, પીજી તરીકે રહેતા યુવકોની કિંમતી મતાની ચોરી કરી તેને દિલ્હીમાં વેંચી નાંખવાની એમ.ઓ. ધરાવતાં ભેજાબાજ આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.