વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત બે બેબી સ્વિમિંગ પુલ સહિત 6 સ્વિમિંગ પુલ છે. પાલિકાની બેદરકારીના કારણે આ વર્ષે ઉનાળામાં માત્ર વાઘોડિયા રોડ ખાતે આવેલ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલનો જ લાભ શહેરીજનોને મળશે. જે લાભ મળતા પણ માર્ચ માસ પૂરો થઇ જશે. છેલ્લા 3 વર્ષથી વાઘોડિયા રોડ પર આવેલા રાજીવગાંધી સ્વિમિંગ પુલ અને વડીવાડી ખાતેના સરદારબાગ સ્વિમિંગ પુલને બંધ રાખવામાં આવ્યા છે. જોકે કોરોના કાળમાં મેઇન્ટનન્સ કરવાની જગ્યાએ હાલમાં પાલિકાએ મેઇન્ટનન્સનું કામ શરૂ કરતાં વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા છે.
વડોદરા શહેરમાં 4 મોટા સ્વિમિંગ પુલ આવેલા છે અને 2 બેબી સ્વિમિંગ પુલ હયાત છે. પરંતુ, સ્ટાફના અભાવે અને અને કાળજી નહીં લેવાતા 6 પૈકીના 4 સ્વિમિંગ પુલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે. હાલમાં વાઘોડિયા રોડ પર આવેલા રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ મેઇન્ટનન્સને કારણે બંધ રાખવામાં આવ્યો છે. જેમાં અધિકારીના જણાવ્યા પ્રમાણે પાણીનો યોગ્ય ભરાવો નહીં થતો હોવાથી સ્વિમિંગ પુલ બંધ રાખવામાં આવ્યો છે. બીજી તરફ વડીવાડી ખાતે આવેલા સરદાર બાગ સ્વિમિંગ પુલમાં પણ મેઇન્ટનન્સની કામગીરી ચાલુ હોવાથી તેને પણ છેલ્લા 3 વર્ષથી બંધ રાખવામાં આવ્યો છે. જેના કારણે સ્વિમિંગ કરવા આવતા લોકોને અન્યત્ર જવા ફરજ પડી રહી છે.
આ સિવાય લાલબાગ સ્વિમિંગ પુલ ખાતે બેબી સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે, તેવી જ રીતે કારેલીબાગ સ્વિમિંગ પુલમાં પણ બેબી સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે. પરંતુ, ત્યાં નવા એડમિશન આપવામાં આવી રહ્યા નથી. જેના કારણે વાલીઓમાં ભારે રોષ છે. 20 હજારથી વધુ મેમ્બરો ધરાવતા શહેરના 6 સ્વિમિંગ પુલની હાલત તંત્રની નિષ્ક્રિયતાના કારણે અને સ્ટાફના અભાવે બદતર થઈ છે.
બીજી તરફ અમી રાવત સ્વિમિંગ પુલની વિઝીટ કરીને જણાવ્યું હતું કે, વર્ષ 2014-15થી રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ બંધ છે. જેમાં 25થી 30 લાખ રૂપિયાના મેઇન્ટનન્સ થયા બાદ પણ સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં આવ્યો નથી. વર્ષ 2018માં લાઈફ મેમ્બરો હાઈકોર્ટમાં જતા હાઈકોર્ટે ફૂલ ટાઇમ સ્વિમિંગ પુલ ચાલુ કરવા નિર્દેશ કર્યો હતો. તેમ છતાં આજદિન સુધી મેન્ટેનન્સના બહાને ચાલુ કરવામાં આવ્યો નથી. સ્થાયી સમિતિ અધ્યક્ષે તેઓની જાહેરાત પહેલા લીધેલી મુલાકાત અંગે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, શાસક પક્ષ આ જ રીતે લોકોની સમસ્યાને ગંભીરતાથી લઈ કામ કરવુ જોઈએ.