ડભોઇ પાલિકા દ્વારા ફાયર સેફ્ટી સર્ટિ અને ફાયર NOC નહી લેનાર રાજકીય નેતાના પુત્રના કોમ્પલેક્ષ ખાતે આવેલી દુકાનો સીલ કરી દીધી હતી,અગાઉ ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા અને 2022માં ડભોઇ વિધાનસભામાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરનાર બાલકૃષ્ણ પટેલના પુત્રના કોમ્પ્લેક્સની 36 જેટલી દુકાનોને પાલિકા અને ફાયર સેફટી વિભાગ વડોદરા દ્વારા સીલ કરવા કાર્યવાહી હાથ ધરાતા રાજકારણ ગરમાયુ હતું.
ડભોઇ નગર પાલિકા દ્વારા ફાયર સેફટી વિભાગ અને પોલીસને સાથે રાખી ડેપો રોડ ઉપર કૌમૂદી સોસાયટી પાસે આવેલ અક્ષર ગોલ્ડ કોમ્પ્લેક્સ સામે ફાયર સેફટી સર્ટિફિકેટ ન લેતાં હાઇકોર્ટના આદેશ મુજબ આશરે 36 જેટલી દુકાનો સીલ કરવા કાર્યવાહી હાથ ધરાતાં સમગ્ર ડભોઈમાં ચકચાર ફેલાઈ હતી.
હાઇકોર્ટના આદેશ મુજબ રિજિયોનલ ફાયર ઓફિસર વડોદરા 16 ફેબ્રુઆરીના હુકમ મુજબ ડભોઇ નગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કૌમુદી સોસાયટી પાસે આવેલ અક્ષર ગોલ્ડ કોમ્પ્લેક્સ સ્થિત 36 જેટલી દુકાનો સિલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે, અન્ય કોમ્પલેક્સમાં પણ આગામી સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે.