ગુજરાતમાં દારૂની રેલમછેલ છે અને બધેજ છૂટથી ધંધો ચાલી રહ્યો છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહયા છે જેમાં વડોદરામાં દારૂ ભરેલા કન્ટેનર સાથે ઝડપાયેલા બે આરોપીયો સામે પોલીસે ચાર્જશીટ જ રજુ નહિ કરતા અદાલતે બે આરોપીયોને જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો છે, જેને લઇ પોલીસની કામગીરી કામગીરી અંગે અનેક સવાલો ઉભા થઈ રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફર્નિચરની આડમાં અન્ય રાજ્યમાંથી કન્ટેનરમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો ગ્રામ્ય પોલીસે 10 ડિસેમ્બરના રોજ ઝડપી પાડ્યો હતો, વડોદરા ગ્રામ્યમાં આવતા વરણામા પોલીસ મથકે રૂ. 13 લાખના દારૂના જથ્થા સાથે ઝડપાયેલા કન્ટેનરના મામલામાં 25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ કેસમાં ઝડપાયેલા બે આરોપી સામે પોલીસે 60 દિવસની મુદત વીતી જવા છતાં ચાર્જશીટ રજૂ કરી નહિ હોવાથી અદાલતે ગંભીર નોંધ લીધી છે.
વિદેશી દારૂ ભરેલી 3 હજાર બોટલ જેની કિંમત 13 લાખ ઉપરાંત, ફર્નિચર, મોબાઈલ ફોન અને કન્ટેનર મળી કુલ 25 લાખ 82 હજારના મુદ્દામાલ સાાથે ઝડપાયેલા વિજય ગોકુલસિંહ પ્રજાપતિ અને માળખાં શ્યામલાલ પ્રજાપતિ (રહે ફતેહપૂર ઉત્તરપ્રદેશ)ને અદાલતમાં રજુ કરી પોલીસે રિમાન્ડ પણ મેળવ્યા હતા. રિમાન્ડ પુરા થતા બંન્નેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવાયા હતા.
ત્યારબાદ 60 દિવસ બાદ પણ વરણામા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજુ નહિ કરતા બંને આરોપીએ પોતાના વકીલ બી.જે ગીલ મારફતે અદાલતમાં જમીન માટે રજુઆત કરતા અદાલતે બંને આરોપીને જામીન આપવાનો હુકમ કર્યો હતો.