શહેરના ન્યૂ વીઆઇપી રોડ આવેલ સત્યનારાયણ વસાહતમાં આજે મંગળવારે સવારે 9:30 વાગ્યા આસપાસ એક તરફી પ્રેમમાં જીતેન્દ્રસિંગ નામના યુવકે એક મહિલા પર તેના જ ઘરમાં ફાયરિંગ કરતાં મહિલાને પગમાં ગોળી વાગી હતી. જેથી મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જીતેન્દ્રને મહિલા પ્રત્યે એક તરફી પ્રેમ હોવાની ચર્ચા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર આવેલ સત્યનારાયણ વસાહતમાં આજે સવારે મૂળ અંકલેશ્વરના જીતેન્દ્ર સિંગ નામનો શખ્સ ટીવી આપવાના બહાને રેશ્મા રાજભર નામની મહિલાના ઘરે આવ્યો હતો. મહિલા અને તેના પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ અચાનક તેણે દેશી કટ્ટાથી રેશ્મા બેન પર ફાયરિંગ કર્યું હતું અને ગોળી પગમાં આવી હતી.
સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલ ઘાયલ રેશ્મા બેને મેરાન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મૂળ અંકલેશ્વરનો રહેવાસી જીતેન્દ્ર સિંગ લેબર કોન્ટ્રાક્ટર છે અને તે તેમની સાથે કામ કરતી હતી પરંતુ થોડા સમયથી તેની સાથે કામ કરવાનું છોડી દીધું હતું. દરમિયાન આજે તે ટીવી આપવાના બહાને ઘરે આવ્યો હતો અને થોડીવાર વાતચીત કર્યા બાદ અચાનક તેના પર ફાયરિંગ કર્યું હતું અને બાઇક પર ફરાર થઇ ગયો હતો. પહેલા પણ ફોન પર જીતેન્દ્ર ધમકી આપતો હતો કે ‘મે મર જાઉગા યા તુજકો માર ડાલુંગા, તુ વાપસ આજા.
અત્રે ઉલ્લેખનીય છે કે રેશ્મા રાજગર ડિવોર્સી અને તેને 17 વર્ષની પુત્રી પણ છે. જ્યારે ફાયરિંગની ઘટના બની ત્યારે તેની પુત્રી પણ ત્યા હાજર હતી. જીતેન્દ્રને રેશ્મા સાથે એક તરફી પ્રેમ હોવાની પણ ચર્ચા છે.