વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 71,939 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,297 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. ગુરૂવારે ચિકનગુનિયાના 26 કેસ અને ડેન્ગ્યુના 21 કેસ નોંધાયા હતા.
કોરોનાના એક્ટિવ દર્દી માત્ર 19 રહ્યા
કોરોનાના ગંભીર કેસો વધુ નોંધાવાના શરૂ થયા બાદ વડોદરામાં 19મી ઓગસ્ટ, ગુરુવારે પહેલીવાર વેન્ટિલેટર પર સમગ્ર શહેર-જિલ્લામાં વેન્ટિલેટર પર એકેય દર્દી સારવાર હેઠળ નથી. વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં કોરોનાના માત્ર 19 એક્ટિવ દર્દીઓ છે. જેમાંથી માત્ર 1 દર્દી જ પ્રમાણમાં ગંભીર છે જેને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. બીજી તરફ શહેરમાં ગુરૂવારે 4 અને જિલ્લામાં એક સહિત કુલ 5 નવા કેસ નોંધાયા હતા. વડોદરામાં વાઘોડિયા રોડ, પંચવટી, સિંધવાઇ માતા રોડ અને નિઝામપુરામાં કોરોનાનો એક-એક નવો કેસ આવ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારના રણોલીમાં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો.
10,585 લોકોએ રસી મૂકાવી
વડોદરા શહેરમાં ગુરુવારે યોજાયેલા રસીકરણમાં 10,585 લોકોએ રસી મૂકાવી હતી. જે પૈકી 18 વર્ષથી ઉપરના 1755 લોકોએ પ્રથમ ડોઝ અને 3110 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 45 વર્ષથી ઉપરના 1323 લોકોએ પ્રથમ અને 1501 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 60 વર્ષથી ઉપરના 144 લોકોએ પ્રથમ અને 1587 લોકોએ બીજો ડોઝ લીધો હતો.
ચિકનગુનિયાના 26 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં ધીમે ધીમે હવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો શહેરને ભરડામાં લઈ રહ્યું છે. શહેરમાં ગુરુવારે ડેન્ગ્યુના લીધેલા 85 સેમ્પલમાંથી 21 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ચિકનગુનિયાના લેવાયેલા 65 નમૂનામાંથી 26 નમૂના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. બીજી તરફ કમળાના 5 અને ટાઈફોડના 4 કેસ મળતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. શહેરમાં એક જ દિવસમાં ઝાડા ઉલ્ટીના 69 કેસ નોંધાયા હતા. જ્યારે તાવના 251 કેસ સામે આવ્યા છે અને શંકાસ્પદ કોલેરાનો 1 કેસ સપાટી પર આવતા આરોગ્ય વિભાગની ઊંઘ હરામ થઈ છે.
આ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ આવ્યા
દંતેશ્વર-૨, ગોરવા-2, જેતલપુર, કપુરાઈ, બાપોદ, કિશનવાડી, મકરપુરા, માંજલપુર-2, નવાપુરા-2, નવીધરતી-2, રામદેવનગર, શિયાબાગ, તાંદલજા, એકતાનગર, સમા અને ગોત્રી.
આ વિસ્તારમાં ચિકનગુનિયાનો વાવર
ગોત્રી-2, ગોકુલનગર-2, ગોરવા-2, સુભાનપુરા, અકોટા, બાપોદ, અટલાદરા, છાણી, દંતેશ્વર-2, એકતાનગર, જેતલપુર, કપુરાઈ, કિશનવાડી, મકરપુરા, માણેજા, માંજલપુર, નવાયાર્ડ, નવીધરતી, પાણીગેટ, સમા, તરસાલી વારસિયા.
અહીં કમળા અને ટાઇફોઇડના કેસ
પંચવટી, તાંદલજા, મકરપુરા, તરસાલી, નવાપુરા, સમા, કારેલીબાગ અને જેતલપુર
31 કન્સ્ટ્રક્શન સાઈટમાં અને 11 હોસ્ટેલ-શાળામાં ચેકિંગ, 4ને નોટિસ
વડોદરામાં વકરી રહેલા મચ્છરજન્ય રોગચાળાને ડામવા તંત્ર કામે લાગ્યું છે. ગુરુવારે પાલિકાની 186 ટીમોએ 26,557 ઘરોની તપાસ કરી હતી. મચ્છરના ઉત્પતિસ્થાનો શોધવા માટે 31 કન્સ્ટ્રક્શન સાઈટ અને 11 જેટલી હોસ્ટેલ તેમજ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 4ને નોટિસ ફટકરવામાં આવી હતી.
વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,756 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,939 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9665 પશ્ચિમ ઝોનમાં 11,928, ઉત્તર ઝોનમાં 11,775, દક્ષિણ ઝોનમાં 11,779, વડોદરા ગ્રામ્યમાં 26,756 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.
ગુરૂવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ વાઘોડિયા રોડ, પંચવટી, સિંધવાઇ માતા રોડ, નિઝામપુરા