વડોદરાઃ સામાન્ય રીતે રાજ્યમાં આત્મહત્યાની અનેક ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ક્યારેક વિદ્યાર્થીઓ અભ્યાસના ભારથી તો ક્યારેક પરિણીતાઓ ઘર કંકાસના કારણે આત્મહત્યા કરતી હોય છે. પરંતુ વડોદરામાં બનેલી આત્મહત્યા પાછળનું કારણ હૃદયદ્રાવક છે. અહીં એક પિતાએ પુત્ર વિયોગમાં આવી ટ્રેનની પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે વડોદરાની મકરપુરા GIDC નજીકથી પસાર થતા રેલવે-ટ્રેક પરથી અજાણ્યા આધેડનો ટ્રેનની નીચે કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, જેની જાણ માંજલપુર પોલીસને થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.
પોલીસની પ્રાથમિક તપાસમાં રેલવે-ટ્રેક નજીક પાર્ક કરેલી બાઈક મળી આવી હતી તેમજ મૃતદેહના કપડામાંથી એક ડાયરી મળી આવી હતી, જેના આધારે મોતને ભેટનારી વ્યક્તિ હનીફખાન પઠાણ હોવાનું જણાઈ આવ્યું હતું અને તે મકરપુરા GIDC-વડસર રોડ નજીકના મસ્જિદ ફળિયામાં રહેતા હોવાનું જણાઈ આવ્યું હતું.
થોડા સમય પહેલાં હનીફભાઈના એક પુત્રનું માંદગીને કારણે મોત નીપજ્યું હતું અને ત્યારથી જ હનીફભાઈ પુત્રના વિયોગમાં ડિપ્રેશનમાં રહેતા હતા અને તેને લઈને જ ટ્રેન આગળ પડતું મૂકી મોતને વહાલું કર્યું હોવાનું પોલીસસૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
સ્થળ પર પહોંચેલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને હનીફભાઈના મોતનાં કારણોની તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પિતાની આત્મહત્યા બાદ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ હતી. અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.