મહીનદીના કોતરોમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીની રેડથી મચી દોડધામઃ ગેમ્બલરોમાં ફફડાટ
વડોદરાના કાંઠા વિસ્તારોમાં જુગારના અડ્ડા ખુલ્લેઆમ ચાલતા હોવા અંગેની ઉઠેલી ફરીયાદો વચ્ચે સિંઘરોટના કોતરોમાં એલસીબીની ટીમે ઓચીંતો છાપો મારતાં જુગારીઓમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી છેલ્લા ઘણા જ સમયથી જુગારના અડ્ડા ચાલતા હોવાની વાતો ચાલતી હતી પરંતુ કોઇ કાર્યવાહી નહી થતાં બધુ લોલમલોલ ચાલતુ હતું.
દરમ્યાન વડોદરા પોલીસને અંધારામાં રાખીને એલસીબીની ટીમે અચાનક જ સિંઘરોટ ગામે મહી નદીના કોતરોમાં રેડ કરતાં ત્રણ જુગારીઓ રંગેહાથ ઝડપાયા હતા બાકીના કોતરોમાં આમેતમ ભાગી છૂટ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી કુલ રૂ.૭૩,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો આ રેડ એલસીબી પોલીસે પાડતા વડોદરા તાલુકા પોલીસ ઉંઘતી ઝડપાઇ હોવાનું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે ત્યારે વડોદરા કાંઠા વિસ્તારોમાં ચાલી રહેલા જુગારધામો સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.